કાશ્મીરમાં શું થવાનું છે? મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત, જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો બંધ અને કલમ 144 લાગુ

જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારે રવિવારે રાત્રે કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યાના બિનસત્તાવાર સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે.

Loading...

શ્રીનગર જીલ્લામાં આજે મધરાતથી કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે અનુસાર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિ ટ્વિટ કરીને તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ઠપ થવા મામલે મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું કે મોબાઈલ કવરેજ સહિત ઈન્ટરનેટ સેવાઓ બંધ થવાના અહેવાલો સાંભળવા મળી રહ્યા છે. કરફ્યુ પણ જારી કરાયા છે. ખુદા જાણે છે કે કાલે શું થશે. આ એક લાંબી રાત થવા જઈ રહી છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જો રાજ્ય સરકારના અધિકારીઓનું માનીએ તો મોબાઈલ ઈન્ટરનેટ કામ નથી કરી રહ્યું. જો એવું છે તો એક અનોપચારિક કરફ્યુ શરૂ થવા જઈ રહ્યો છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યને મળેલા વિશેષ દરજ્જાને બચાવવા માટે અમે બધા સાથે છીએ. પહેલા ક્યારેય આટલી મોટી સંખ્યામાં ફોર્સ રાખવામાં નથી આવી. ઘાટીના લોકો ગભરાયેલા છે. જમ્મુ-કાશ્મીરના લોકોને હું ધીરજ રાખવાની અપીલ કરું છું.

Loading...