BjpGujarat

મંત્રી કુંવરજી બાવળિયા અને ફળદુના વિસ્તારમાં જ ખાતર કૌભાંડ, કોંગ્રેસની જનતા રેડ બાદ સરકારે ખાતરનું વેચાણ બંધ કર્યું

કૃષિમંત્રી આર.સી. ફળદુના જામનગર જિલ્લામાં જ મોટું ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિતના  આગેવાનોએ જામજોધપુરના GSFC  ખાતરના ડેપો અને ગોડાઉનમાં ચેકિંગ કરતા ખાતરની ગુણીમાં 720 ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું. જામનગર શહેરમાં જીએસએફસીના ખાતરના ડેપોમાં કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી કરેલા ચેકિંગમાં પણ ખાતરની બોરીમાં 120 થી 720 ગ્રામ વજન ઓછું નીકળ્યું હતું.

અધિકારીઓએ ડીએપી ખાતરની બોરીઓનું વેચાણ ન કરવા સૂચના આપતા ડેપોમાં ખાતરની બોરી ઉપર નોટ ફોર સેલના લેબલ ચોટાડવામાં આવ્યા છે. જામનગર જિલ્લા તોલમાપ અધિકારી આર.આર.માકડિયાએ જણાવ્યું હતુ કે તપાસ કરવામાં આવશે ત્યારબાદ રિપોર્ટના આધારે પગલાં લેવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તાર એવા વીંછિયા તાલુકામાં  સેવા સહકારી મંડળીમાં ડીએપી ખાતરની બોરીઓનું ઈલેક્ટ્રિક વજન કાંટા દ્વારા વજન કરવામાં આવતા 700 ગ્રામ જેટલા ઓછા વજનવાળી બોરીઓ મળી આવી હતી.

ગોડાઉનમાંથી 2015ની ડીએપી ખાતરની બોરીઓ પણ મળી આવી હતી. જેથી તેનું વજન કરતા તેમાં પણ 700 ગ્રામ જેટલો ઓછો વજન મળ્યો હતો. 2015ની ડીએપી ખાતરની બોરીઓનો વજન કર્યા બાદ ખબર પડી કે ડીએપી ખાતરની બોરીઓમાં 2015થી ખાતર કૌભાંડ ચાલતું આવે છે.

આટલા વખતમાં પહેલીવાર ફરિયાદ આવી છે માટે ચેકિંગ કર્યું.  કોઈ દિવસ ચેકિંગ કરવાની જરૂરિયા જ ઊભી નથી થઈ. રાજકોટના ડેપોને સીલ કરી દેવામાં આવ્યું છે. ડેપો મેનેજરને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.

ડીએપીમાં 18 ટકા નાઇટ્રોજન અને 46 ટકા ફોસ્ફરસ આવે છે તેમ કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતુ. ફોસ્ફરસનું બેથી ત્રણ ટકા પ્રમાણ ઓછું કરવામાં આવે તો પણ કરોડોની રૂપિયાની કંપનીને બચત થાય છે,પણ ખેડૂતના પાકને નિષ્ફળ કરે તેટલી અસર થઇ શકે છે.  માત્ર રાજકોટની જ વાત કરીએ તો જિલ્લામાં દર વર્ષે 6 લાખ ગુણી ડીએપી ખાતર સપ્લાય થાય છે જે જીએસએફસી કંપની સપ્લાય કરે છે.

Back to top button