કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી, કેટલાક શખ્સો દ્વારા અમિત શાહ જે વાહનમાં હતા તેના પર ઠંડા ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું. કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા ભાજપ કાર્યકર્તાઓ અને રાજ્ય પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનું કહેવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો પહેલાં કેટલાંક લોકોએ મોદી અને શાહના પોસ્ટર્સ હટાવ્યાં હતા. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુંડા અને પોલીસને પોસ્ટર તેમજ ઝંડા હટાવવા દીધા.
સાતમા તબક્કામાં બંગાળની 9 સીટ પર મતદાન થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને સોમવારે અમિત શાહની ત્રણ રેલીઓ થવાની હતી, પરંતુ તેમને હેલિકોપ્ટરઉતારવાની મંજૂરી જ ન મળી. જે બાદ શાહે જયનગરમાં સભા કરી હતી.
તેઓએ કહ્યું હતું- મારી આ ત્રણ રેલીઓ થવાની હતી. જયનગરમાં તો આવી ગયો પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી, ત્યાં અમે જઈએ તે વાતે મમતા દીદી ડરે છે કે ભાજપવાળા સભા કરશે તો ભત્રીજાના પાસા ઊંધા પડશે. એટલે સભાની મંજૂરી ન આપી.
યોગી આદિત્યનાથની સભાઓની અનુમતિને પણ રદ કરવામાં આવી છે. પાર્ટીના નેતાઓએ સોમવારે આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે 15 મેનાં રોજ યોગી દક્ષિણ પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં લોકસભા કરવાના હતા. તંત્રએ પહેલાં તેની મંજૂરી આપી હતી પરંતુ સોમવારે તે મંજૂરીને રદ કરી દીધી છે.