BjpIndia

મમતાના આકરા તેવર: શું અમિત શાહ ભગવાન છે કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક વખત ફરી ભાજપ પર હુમલો કર્યો. મમતાએ કહ્યું કે શું અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય. આપને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં જોરદાર હોબાળો થયો હતો. અમિત શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શોમાં પથ્થરમારો અને આગચંપી ની ઘટના પણ બની હતી. ભારે હોબાળા બાદ અમિત શાહે રોડશો ખતમ કરી દીધો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ અસંસ્કારી છે, તેથી તેમણે વિદ્યાસાગરની મૂર્તિ તોડી. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આવા હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે કોલકાતામાં અમિત શાહ અને વડાપ્રધાન મોદીના મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચ તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા?

જોકે  ભાજપે પણ ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. અમિત શાહના રોડ શોમાં હિંસા પછી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા.

મમતાએ એક રેલીમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીથી સાવધાન રહો. તેઓ હિટલરથી પણ ખતરનાક છે. તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. તેઓએ રાજ્યની મશીનરીને હાઈજેક કરી લીધી છે. કોલકાતામાં જ વોટર્સ વચ્ચે કરોડો રૂપિયા વ્હેંચવામાં આવ્યા છે. મમતાએ હિંસાનો આરોપ ભાજપ પર લગાવતા કહ્યું કે ભાજપે પહેલાંથી જ હિંસાની યોજના બનાવી હતી. બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કર્યો.

Back to top button