GujaratIndia

રમકડું ગળી જતા જાણીતા ટીવી એક્ટરની બે વર્ષની દીકરીનું નિધન, એક્ટરે જણાવ્યું કેવી રીતે બનાવ બન્યો હતો

ટીવી સિરિયલ ‘પ્યાર કે પાપડ’ના જાણીતા એક્ટર પ્રતીશ વોરાની બે વર્ષીય દીકરીનું આકસ્મિક  નિધન થયું હતું.ઘટનાની વિગત અનુસાર એક્ટરની દીકરી રમતા રમતા રમકડું ગળી ગઈ હતી.  પ્રતીશે દીકરીના આકસ્મિક નિધન અંગે વાત કરી હતી. પ્રતીશે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે દીકરીના મોંમાંથી રમકડું બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેને બચાવી ન શક્યા.

એક્ટરે કહ્યુ કે અમે ઘરે કેટલાંક મિત્રો સાથે પિત્ઝા ખાતા હતાં. મારી દીકરી તથા પત્ની રાજકોટમાં રહે છે. તેઓ 10 દિવસથી વેકેશન કરવા આવ્યા હતાં.મારી દીકરી રમકડાંનો એક ભાગ ગળી ગઈ તો મેં તરત જ મોંમાં હાથ નાખીને રમકડું કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીકરીએ મને હાથ પર જોરથી બચકું ભર્યું હતું. આટલીવારમાં રમકડું અંદર જતું રહ્યું હતું. મારો હાથ ત્યાં સુધી પહોંચી શકે એમ નહોતો. હું અને મારી પત્ની તાત્કાલિક મીરા રોડ પર આવેલી હોસ્પિટલમાં ગયા હતાં. એવામાં રસ્તામાં જ દીકરીના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ડોક્ટરે લોહી તો બંધ કરી દીધું પરંતુ તેના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતાં. ત્યારબાદ ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે દીકરી નોર્મલ છે પરંતુ 24-48 કલાક ઓબર્ઝવેશનમાં રાખવામાં આવશે.

થોડીવાર બાદ ફરીથી દીકરીના મોંમાંથી લોહી આવવા લાગ્યું હતું અને હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતાં. ડોક્ટરે રાતના એક વાગ્યા સુધી દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી શકી નહીં. અમે દીકરીનાં પાર્થિવ દેહને લઈ રાજકોટ આવ્યા હતાં અને અંતિમ સંસ્કાર કર્યાં હતાં.

એક્ટરે કહ્યું કે હાલમાં હું રાજકોટમાં જ છું. મારી પત્ની જ મારી સૌથી મોટી જવાબદારી છે. મારી પત્ની ઘણી જ હિંમતવાન છે અને આશા છે કે આ દુઃખમાંથી તે બહાર આવી જશે. લગ્નના 13 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો પરંતુ ભગવાને બે જ વર્ષમાં પાછી બોલાવી લીધી.આપને જણાવી દઈએ કે  પ્રતીશે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તથા ‘ક્રાઈમ પેટ્રોલ’માં કામ કર્યું છે. હાલમાં પ્રતીશ ‘પ્યાર કે પાપડ’માં  કામ  કરી રહ્યા છે.

Back to top button