કોમી રમખાણ વચ્ચે એક મુસ્લિમ રિક્ષાચાલકે જીવના જોખમે ગર્ભવતી હિન્દુ મહિલાને હોસ્પિટલ પહોંચાડી

આસામના હાઈલાકાંડીમાં હાલ કોમી તંગદિલીના પગલે કરફ્યુ લગાવી દેવાયો છે. આવી કપરી સ્થિતિમાં એક મુસ્લિમ યુવકે પાડોશીની પત્નીને પ્રસવની પીડા ઉપડતા જીવની પરવા કર્યા વગર તેને હોસ્પિટલમાં પહોંચાડી હતી. મકબૂલ હુસૈન લસકરે તેની રીક્ષા કરફ્યુ વાળા વિસ્તારમાં શક્ય તેટલી ઝડપથી ચલાવી હતી. કેમ કે પાડોશી રૂબનની પત્ની નંદિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકે. લેબર પેઈન ઉપડતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર હતી.

રૂબને જણાવ્યું હું મારી પત્નીને કહેતી કે કોઈક તો આપણને હોસ્પિટલમાં જવામાં મદદ કરશે.રૂબન જ્યાં રહે છે ત્યાંથી હોસ્પિટલ થોડા કિલોમીટર દૂર છે. જો કે તે વિસ્તારમાં કરફ્યુ હોવાથી કોઈ મદદે ન આવ્યું. અને એવા  સમયે પત્નીનો દુખાવો  વધી રહ્યો હતો.

એવામાં પાડોશી મકબૂલે તેનો અવાજ સાંભળ્યો અને તેના ઘરે રીક્ષા લઈ પહોંચી ગયો અને  રીક્ષા મારફતે હોસ્પિટલ પહોંચાડી.સમયસર મળેલી મદદને કારણે નંદિતા એક સ્વસ્થ પુત્રને જન્મ આપી શકી હતી. તેનું નામ શાંતિ રાખવામાં આવ્યું છે. નંદિતાએ જણાવ્યું કે મારી પાસે મકબૂલનો આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી. સૌથી ખરાબ સમયમાં ભગવાને તેને અમારી પાસે મોકલ્યો.  અમે ઈચ્છીએ છીએ કે હાઈલાકાંડીમાં શાંતિ પાછી ફરે એટલે અમે અમારા પુત્રનું નામ શાંતિ રાખ્યું છે. કોમી રમખાણ વચ્ચે આવા કિસ્સાએ સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શુક્રવારે બે કોમ વચ્ચે અથડામણ થતા પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આગચંપીના બનાવો બન્યા હતા જેને પગલે ઓથોરિટીને વિસ્તારમાં કરફ્યુ લાદવાની ફરજ પડી હતી.

Back to top button