GujaratStory

સુરતઃ મૃત્યુ પછી પણ 7 લોકોને આપ્યું નવું જીવન, ફેફસા 195 મિનિટમાં 1,293km દૂર પહોંચાડાયા

મૃત ડોનરના ફેફસા, કિડની, હ્રદય, યકૃત અને આંખોના દાનના કારણે 7 લોકોને નવું જીવનદાન મળ્યું છે. પાલનપુરના રહેવાસી વ્રજેશ શાહને 12 મેના દિવસે માથાના સખત દુખાવો થયા બાદ તેમને શહેરની યુનિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.તેમના માથાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમના મગજમાં લોહીના ગઠ્ઠા થઈ ગયા છે. તેમને 15મેના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા. વ્રજેશના પત્ની વૈશાલી, પિતા નવીન અને માતા સૂર્યાએ નક્કી કર્યું કે વ્રજેશના અંગોનું દાન કરીશું.

પરિવારજનોની સંમતિ મળતા જ ડોનેટ લાઈફની ટીમ યુધ્ધના ધોરણે કામે લાગી હતી. ગણતરીની મિનિટોમાં બધું ગોઠવાયું. મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ચીફ કાર્ડિયાક સર્જન ડો. અન્વય મૂલે અને તેમની ટીમે સુરત આવી હ્દયનું દાન સ્વીકાર્યું. ફેફસાનું દાન બેંગ્લોર બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના ડો. પ્રેમાનંદ  સ્વીકારવામાં આવ્યું. કિડની અને લીવરનું દાન અમદાવાદની ઈન્સ્ટીટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું.

અમદાવાદના યશપાલ સિંઘ મટિયાડા, 20ને વ્રજેશની એક કિડની આપવામાં આવી જ્યારે બે કિડની 28 વર્ષના કમલેશ સોલિંકીના બોડીમાં ટ્રાન્સ્પાન્ટ કરવામાં આવી. જ્યારે વ્રજેશનું યકૃત અમદાવાદમાં ઉંઝાના 47 વર્ષના દિનેશ પટેલ નામના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

સુરતની યુનિક હોસ્પિટલથી મુંબઈ, મુલંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિલોમીટરનું અંતર 90 મિનિટમાં કાપીને વ્રજેશ શાહના હ્દયને કાર્ડિયાક સર્જન ડો. અન્વય મુલે અને તેમની ટીમે સુરતના રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહ(ઉ. 44)ના દેહમાં ધબકતું કરી દીધું.  બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સંદીપ અત્તાવર અને તેમની ટીમે વ્રજેશ શાહના ફેફસાથી 59 વર્ષના અશોક ચૌધરીને શ્વાસ લેતા કરી દીધા.

તેઓનું લિવર મૂળ ઊંઝાના રહેવાસી એવા 47 વર્ષના ઈન્દુબહેન દિનેશભાઈ પટેલના દેહમાં કામ કરતું થઈ ગયું. શહેરમાંથી પહેલી વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું છે, જેને સ્પેશિયલ કોરિડોર બનાવીને સુરતથી બેંગ્લુરુની BGS ગ્લોબલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. આ કોરિડોર દ્વારા 1,293 કિલોમીટરનું અંતર માત્ર 195 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું.

સુરતના રહેવાસી 44 વર્ષના પ્રકાશ શાહને વ્રજેશનું હ્રદય ડોનેટ કરવામાં આવ્યું. જેનું મુંબઈની ફોર્ટિસ હેલ્થકેરમાં સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. વ્રજેશનું હ્રદય સુરતથી 269 કિલોમીટરનું અંતર કાપીને 90 મિનિટમાં મુંબઈ પહોંચાડાયું. સુરતથી 22મી વખત હ્રદયનું દાન કરાયું હોવાનો કિસ્સો બન્યો છે. પાછલા બે વર્ષમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 291 વખત કિડની, 121 વખત યકૃત, સાત વખત સ્વાદુપિંડ, બે ફેફસા અને 232 વખત આંખોનું દાન કરવામાં આવ્યું છે.

Back to top button