CrimeGujarat

સુરત: પોલીસ સ્ટેશનમાં યુવકને ઢોરમાર મારતા થયું મોત, PI સહિત 8 પોલીસકર્મી થઈ ગયા છૂમંતર

સુરતમાં ખટોદરા પોલીસ સ્ટેશનની ટીમે ચોરીના બનાવમાં ત્રણ યુવાનોને પૂછપરછ માટે બોલાવી ઢોરમાર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ કમિશનરે ખટોદરાના PI, PSI સહીત 8 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. ગુનો નોંધાતા જ સાતેય પોલીસ કર્મચારીઓ સ્ટેશનમાંથી ભાગી ગયા હતા. ખટોદરા પોલીસ મથકની હદમાં બે ઘરફોડચોરી થઈ હતી. આ ચોરીમાં કૈલાસનગર વિસ્તારમાં રહેતા રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશની સંડોવણી હોવાની શંકાના આધારે ખટોદરા પોલીસની ટીમ ત્રણેયને પોલીસ સ્ટેશન પર લાવી હતી.

ગુનાની કબૂલાત માટે થર્ડ ડિગ્રી અપનાવતા ત્રણેય આરોપીને ઢોરમાર માર્યો હતો. ઓમપ્રકાશ પાંડેને ગંભીર ઈજા થતાં તેને પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર ઇજાઓને કારણે તેને મો઼ડી રાત્રે મૃત જાહેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં ગેરકાયદે અટકાયત કરી હોવાનું બહાર આવતા જ ખટોદરાના પીઆઈ મોહનલાલ ભગવાનરામ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી સહીતના કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો.પોલીસે તમામના નિવાસસ્થાને તપાસ કરી હતી પરંતુ કોઈ હાજર મળી આવ્યું ન હતું.

માર મારવાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં જ હત્યાનો ગુનો નોંધાશે: શનિવારે રાત્રે 11 વાગ્યે તબીબે બ્રેઇનડેડ યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવાશે. માર મારવાના કારણે મોત થયાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયા બાદ 7 પોલીસ અધિકારી સામે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં હત્યાની કલમ આઈપીસી 302નો ઉમેરો થશે.

એ.કે.સિંઘે અગાઉ પીઆઈ ખિલેરીને સસ્પેન્ડ કર્યા હતા: પીઆઈ એમબી ખિલેરી અગાઉ 2017માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે દારૂ અને જૂગારની પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરી અડ્ડાઓ બંધ કરવા સૂચના આપી હતી.

જ્યારે પોલીસ પર હુમલો થાય ત્યારે પોલીસ તુરંત 307ની કલમ લગાવે છે. જ્યારે આ ઘટનામાં અટક કરેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં જ મોત થઇ ગયું હોવા છતાં ગુનો દાખલ કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોલીસ કર્મચારી સામે આઇપીસીની કલમ 330, 342, 324, 348 અને 34 મુજબ ગુનો નોંધાયો હતો.

આરોપીને મારવા સાથે પોલીસ અધિકારીઓએ પોતાના પોલીસ કર્મચારી સાથે મારામારી પણ કરી છે તેવામાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે.  જોકે આ ઘટના બાદ સુરત પોલીસમાં ભારે ચર્ચા ઉભી થઇ છે અને અધિકારી આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. હવે જોઈએ કે,આ પોલીસ જે ખરેખર આરોપી છે તેને પકડવામાં સુરત પોલીસને કેટલી સફળતા મળે છે.

Back to top button