AhmedabadBjpGujarat

અમદાવાદ: ભાજપના ધારાસભ્યએ મહિલાને લાતો મારી, રોડ પર ઢસડી

અમદાવાદ: ભાજપના નરોડાના ધારાસભ્યનો એક વીડિયો વાઈરલ થયો છે.  નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના માણસો એક મહિલાને માર મારતો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ‘બેટી બચાવો’ નારા લગાડતાં ભાજપના જ નરોડામાં ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલા સાથે લુખ્ખાગીરી કરી માર મારી રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્યની ઓફિસે પાણી મુદ્દે ફરિયાદ કરવા આવેલી મહિલા પર ગુસ્સે થઈ થાવાણીએ બેરહેમીથી માર માર્યો હતો.

વીડિયો વાઈરલ થયો છે તેમાં ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના સમર્થકો એક મહિલાને જાહેરમાં રોડ પર માર મારતા જોવા મળી રહ્યા છે.  એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા થાવાણીએ કહ્યું કે વિસ્તારમાં પાણીની સમસ્યા મામલે બહેનો રજૂઆત કરવા આવી હતી એ દરમિયાન આ ઘટના બની હતી. હું સવારે સાત વાગ્યે ઓફિસના પગથિયાં ચડતો જ હતો કે આ મહિલા પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવી હતી.

કેટલાક લોકોએ પહેલા મારી પર હુમલો કર્યો હતો પછી મને ગુસ્સો આવ્યો હતો અને આ બની ગયું હતું. થાવાણીએ કહ્યું કે તેમની પાસે બીજો એક વીડિયો છે જેમાં તેમના પર હુમલો થયો હોવાનું દેખાય છે. હું ધારાસભ્ય છું. મારે મારો બચાવ કરવાનો હોય કે નહીં.  તેઓએ લેખિતમાં માફી માગવાનો સતત ઈનકાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોતાના પર હુમલા અંગે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે.

થાવાણીએ કહ્યું કે મહિલા ટોળા સાથે પાણીની રજૂઆત કરવા આવી હતી અને તેમણે આજે રવિવાર હોવાથી પછી આવવા કહ્યું તો બધા ‘થાવાણી હાય હાય’ના નારા લગાવવા લાગ્યા, જેથી વાતાવરણ ઉગ્ર બની ગયું.  આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તેમણે મારા પર હુમલો કર્યો અને તે પછી આ ઘટના બની છે.

મેં તેમને કહ્યું કે, આજે રવિવાર છે કાલે આવો… આખી એએમસીની ટીમ બોલાવીએ પણ, એ લોકો પ્રી-પ્લાન કરીને આવ્યા હતા. મેં આટલા વર્ષોમાં કોઈને બેઈજ્જત નથી કર્યા. આટલા વર્ષોમાં મારી પર કોઈ આક્ષેપ નથી થયો. મારી ભૂલ થઈ છે એ મહિલા સામે આવશે તો માફી પણ માગીશ.

Back to top button