AhmedabadBjpGujarat

મહિલાને માર મારનાર MLA થાવાણી સામે બેશરમ ભાજપ : MLAને કહ્યું “માફી માંગી લો”

ગઈકાલે અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે ઠપકો આપીને માફી માગવાનું કહેતા લોકોમાં ભારે રોષ છે.

ભાજપના ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આ ઘટના શરમજનક છે અને ભાજપ તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. વીડિયો જોતા જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ  ફોન કરીને ખુલાસો માગ્યો હતો અને ઠપકો આપીને માફી માગવા પણ કહ્યું હતું. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની હિંસા ક્યારેય ન થવી જોઈએ આ પ્રકારના દૂર્વ્યવહાર ચલાવી ન લેવાય અને પક્ષે તેની ગંભીર નોંધ લીધી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બલરામ થાવાણીને ઠપકો આપ્યો હતો, અને ત્યારબાદ થાવાણીએ જાહેરમાં પોતાના કૃત્ય પર માફી માગી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે અધ્યક્ષ તરફથી તેમને ઠપકો આપવામાં આવ્યો છે. આજે પત્રકારો સાથે વાત કરતા થાવાણીએ કહ્યું હતું કે તેમણે જોશમાં આવીને કૃત્ય કર્યું હતું.  હાલ વીએસ હોસ્પિટલમાં દાખલ મહિલાને તેઓ મળવા પણ જશે અને તેમને સોરી પણ કહેશે. થાવાણીએ કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં છું. હું 15 વર્ષ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું અને મને ખબર છે કે પબ્લિક સાથે કઈ રીતે વાત કરવી.

કોંગ્રેસની કડક પગલા લેવાની માગ:  પરેશ ધાનાણીએ પણ બલરામ થાવાણી સામે કડક પગલાં ભરવાની માગણી કરીને મહિલાને માર મારવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી.તેમણે  ચિમકી આપી હતી કે જો થાવાણી સામે પગલાં ભરવામાં નહીં આવે તો મહિલાઓ રણચંડી બનશે.

ભાજપનો મહિલા મોરચો ચૂપ: આમ તો ભાજપ મહિલા મોરચો મહિલાઓને ન્યાય અપાવવા અને મત મેળવવા સક્રિય હોય છે. ભાજપ વિરુદ્ધ કોઈ બોલે તો મહિલા મોરચો  નાટકો કરવા રોડ પર નીકળી પડે છે  પણ આ ઘટનામાં મહિલા મોરચાના પ્રમુખ કે અન્ય મહિલા આગેવાનો મહિલાને ન્યાય અપાવવા એક શબ્દ ઉચ્ચારતા  નથી.

ભાજપની શિસ્ત સમિતિ સમક્ષ જે તે આગેવાનની ભૂલ અથવા ગેરશિસ્તનો આખરી નિર્ણય લેવામાં આવે છે.  મોટા ભાગની ઘટનાઓમાં ભાજપ માત્ર નોટિસ આપીને મામલો રફેદફે કરી દે છે. બલરામ થાવાણીના કેસમાં 24 કલાક થવા આવ્યા છતાં પણ ભાજપ પ્રમુખે માત્ર ઠપકો આપીને માફી માગવા કહ્યું છે. તેમની સામે બરતરફીના પગલા ભરતા ભાજપ ડરી રહ્યો છે.

ભાજપ ધારાસભ્યોનું સંખ્યાબળ સાચવવામાં વ્યસ્ત:  રૂપાણી સરકારમાં ભાજપનું સંખ્યાબળ 103 છે. આ સંજોગોમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા ભાજપ આ બન્ને બેઠકોની ચૂંટણીનું ગણિત ગણી રહ્યો છે.  જો ભાજપે બન્ને બેઠકો પર વિજય મેળવવો હોય તો કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો લાવવા પડે છે.  જો ભાજપ પોતાના જ ધારાસભ્યને નૈતિકતાના ધોરણે બરતરફ કરે તો ભાજપનું સંખ્યાબળ તૂટી શકે છે. આમ રાજનીતિ કરવામાં ગુજરાતની મહિલાને ન્યાય નહીં મળે એ નક્કી છે.

Back to top button