15 વર્ષની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત ન કરાવ્યો તો પંચાયતે શું કર્યું જાણો

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં પંચાયતે એક 15 વર્ષની સગીરા જે દુષ્કર્મ પીડિતા છે તેને ગામમાંથી કાઢી મૂકી છે. પંચાયતે કહ્યું  કે ગોળી ખાઈને સગીરા ગર્ભપાત કરી લે. પરંતુ પીડિતા અને તેના પરિવારવાળા માન્યા નહીં. બાદમાં મામલો પોલીસ સુધી પહોંચતા પંચાયતે પરિવારને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. પીડિતાના માતા-પિતા મજૂરી માટે ગુજરાત ગયા હતા. પાછા ફરતા ખબર પડી કે તેમની પુત્રી આઠ મહિનાની ગર્ભવતી છે. પરિવારનો આરોપ છે કે પંચાયત સભ્યના સંબંધી એ દુષ્કર્મ કર્યું છે.

ન્યાય માટે પરિવારવાળાએ જાતિ પંચાયત સમક્ષ અરજ કરી. પંચાયતે ગોળી ખાઈને ગર્ભસ્થ શિશુને ખતમ કરવાનું ફરમાન સંભળાવી દીધું. પરિવાર ન માન્યો તો પંચાયતે તેમને ગામમાંથી કાઢી મૂક્યા. આથી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ઈન્સ્પેક્ટરે સલાહ આપી કે ગામની બાબત છે, ગામમાં જ ઉકેલ લાવો.ત્યાર પછી સામાજિક કાર્યકર નવલ ઠાકરની દખલ પછી 19 મેએ કેસ નોંધાયો.ત્યારબાદ પંચાયતે માતા-પિતાને આદેશ આપ્યો કે પોલીસ કેસ પાછો ખેંચી લો નહીં તો 11 હજાર રૂપિયા દંડ ભરો.

સગીરા અત્યારે હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં દાખલ છે. તેણે 30 મેએ એક બાળકીને જન્મ આપ્યો છે. પીડિતાના પિતાએ કહ્યું કે ગામમાં જઈએ છીએ તો લોકો ગાળો આપે છે. પાણી પણ ભરવા દેતા નથી.  ધમકીઓ આપી રહ્યા છે.પીડિતાના વકિલ વિનોદ બોરસેનો આરોપ છે કે પોક્સો હેઠળ કાર્યવાહી થવી જોઈતી હતી.

ધુલિયા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું  કે અરજી મળી તો પરિવારને સલામતી આપીશું. પરિવારે જાતિ પંચાયતના પાંચ સભ્યો વિરુદ્ધ પોલીસ સુપરીન્ટેન્ડેન્ટને ફરિયાદ કરી છે.  તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે.  તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે.

Back to top button