BjpCongressGujarat

ધારાસભ્ય બચાવો અભિયાન: રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને રેલો આવ્યો

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ને જો બન્ને બેઠકો જીતવી હોય તો કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા સિવાય કોઇ વિકલ્પ નથી. ગઈ રાજ્યસભા ચૂંટણીમાં થયેલ ઘટના ને ધ્યાનમાં લેતા કોંગ્રેસના મોવડી મંડળે આ વખતે અલ્પેશ ઠાકોર સાથે બીજા કોઇ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં ન જોડાય તે માટે પ્રયાસ કરવાનું શરુ કર્યું છે.સંગઠનમાં પણ તાત્કાલિક કોઇ ફેરફાર થાય તેવી કોઇ શક્યતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં બે બેઠક મેળવવા માટે ભાજપને  120 ધારાસભ્યો જોઇએ છે. જો આમ કરવું  હોય તો કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પડે તેમ છે. અલ્પેશ ઠાકોર અને તેમના જૂથના ધારાસભ્યો ભાજપમાં જોડાય તો પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યો તોડવા પડે તેમ છે. કોંગ્રેસ પાસે કુલ  71 ધારાસભ્યો છે. આવા સંજોગોમાં ધાનાણીએ ભલે જાહેરમાં કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જશે તો અમે બેન્ડવાજા સાથે વિદાઇ આપીશું. પણ મોવડી મંડળે ધારાસભ્યોને રોકવાની તાકીદ કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.  મોવડી મંડળે પ્રદેશના બંને નેતાઓને ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જાય નહીં તે માટે શંકાસ્પદ ધારાસભ્યો પર નજર રાખવાનું કહ્યું છે.

ચાવડા અને ધાનાણીએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી પણ સમગ્ર દેશમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હોવાથી હાઇકમાન્ડ રાજીનામુ મંજુર ન કરે એ નક્કી હતું. બંને નેતાઓને હાલપૂરતુ રાજીનામું આપવું પડશે નહીં. હવે જોવું રહ્યું કે ગત રાજ્યસભાની ચૂંટણી ની જેમ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ઝટકો આપે છે કે નહીં.

Back to top button