IndiaStory

IPSના દીકરાને ઓછા ટકા આવ્યા, પણ IPS પિતાએ જે કર્યું એ જાણીને માન થશે

આજે માતા-પિતાની અપેક્ષા પૂરી કરવામાં વિદ્યાર્થીઓની માનસિક હાલત બગડતી જાય છે. ઘણા કેસમાં અપેક્ષાઓ પૂરી ન કરવાના ડરમાં વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી દેતા હોય છે. આ બધા વચ્ચે  કેરળના એક્સાઈઝ કમિશનર પાસેથી માતા-પિતાએ શીખવા જેવું છે. તેમણે પોતાના પુત્રની વાત લોકો સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક Video વાયરલ થયો છે જેમાં કેરળના એક્સાઈઝ કમિશનર ઋષિરાજ સિંહ જણાવે છે કે તેમણે તેમના પુત્રના કારકિર્દી અને ભણતરમાં ક્યારેય દખલઅંદાજી નથી કરી.

તેઓ કહેવા માંગતા હતા કે બાળક પર ખોટું પ્રેશર ઊભુ કરવાથી તેને આત્મહત્યા જેવા વિચારો આવી શકે છે. બાળકોને જે વિષયમાં રસ હોય તે કરવા દેવામાં આવે તો તે લાઈફમાં ચમકી ઊઠશે.તેમણે જણાવ્યું કે મારા દીકરાને ભણવામાં રસ નહતો. તે હંમેશા 58-60 ટકાથી જ પાસ થતો હતો.

એક દિવસ મેં તેની સાથે વાત કરી અને પૂછ્યું તો તેણે કહ્યું કે તે આનાથી વિશેષ પરિણામ નહીં લાવી શકે અને ત્યાર પછી મેં ક્યારેય તેને આ અંગે હેરાન નથી કર્યો. તેમણે  જણાવ્યું કે મારા પુત્રને 12મા ધોરણમાં માત્ર 62 ટકા જ આવ્યા. તેણે કહ્યું કે તે એનિમેશનમાં ડિપ્લોમા કરવા માંગે છે અને મેં તેને જે કરવું હોય તે કરવા દીધું.

અભ્યાસ પછી તેમનો દીકરો મુંબઈના ફિલ્મ સ્ટુડિયોમાં જોડાયો. તે આગળ વધ્યો અને તેણે બેંગલુરુમાં સ્ટીવન સ્પીલબર્ગના સ્ટુડિયો માટે અરજી કરી. ત્યાર પછી તે લંડન અભ્યાસ કરવા ગયો અને હવે પોતાની રીતે સરસ જીવન જીવી રહ્યો છે.સિંહ કહે છે કે જો તેમણે દીકરાને પોલીસ ફોર્સમાં જોડાવા આગ્રહ કર્યો હોત તો કોઈની લાઈફ સુખી ન હોત.

Back to top button