BjpGujarat

રાજકોટ: મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા એન્કર સાથે ભાજપના કોર્પોરેટરે ગાળાગાળી કરી, અમદાવાદવાળી થતા રહી ગઈ

રાજકોટ શહેરના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શરમજનક ઘટના બની હતી. મહિલા એન્કરે ઉપસ્થિત મહેમાનોના ઉલ્લેખમાં રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સરનેમને બદલે અરવિંદ પટેલ બોલતા ધારાસભ્ય રૈયાણી અને તેના સાથી કોર્પોરેટર પીપળિયાએ મહિલા એન્કરને બેફામ ગાળો ભાંડી હતી અને કોર્પોરેટરે તો મહિલાનો કાંઠલો પકડી અભદ્ર વર્તન કરતાં મહિલા સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.

રેસકોર્સ મેદાનમા આવેલા  ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાની મેયર તથા કમિશનરની ટીમો વચ્ચે મેચ રમાઇ છે. ગુરૂવારે રાત્રે રાજકોટ અમદાવાદ વચ્ચે યોજાયેલ મેચમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત હતા. ટૂર્નામેન્ટમાં તૃપ્તી શાહ નામની એન્કર હતી.

ગુરૂવારે મેચ દરમિયાન મહેમાનોના લિસ્ટની યાદી મુજબ એન્કર તૃપ્તી શાહે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નામનો ઉલ્લેખ ધારાસભ્ય અરવિંદ પટેલ તરીકે કર્યો હતો.રૈયાણી ને બદલે પટેલ બોલતા ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર ગુસ્સે થઇ ગયા હતા અને મામલો ગરમ થયો હતો.

બંને નેતાઓએ એન્કર તૃપ્તી શાહને સ્ટેજ પાછળ બોલાવ્યા હતા અને ગાળો આપી હતી. કોર્પોરેટર પરેશ પીપળિયા તો બેફામ બન્યા હતા અને  શરમ નેવે મૂકી મહિલા એન્કરના શર્ટનો કાંઠલો પકડી અભદ્ર વર્તન કર્યું હતું. ઘટનાને પગલે દેકારો મચતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દોડ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે બનેલી ગંભીર ઘટનાની ભૂલ સમજાતા શુક્રવારે ભાજપના ટોચના આગેવાનો મહિલા એન્કરને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો તે હોટેલે દોડી ગયા હતા અને માફી માગી હતી.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે  ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી કોઇ ઘટના બન્યા અંગે પોતે અજાણ છે. કોઇ યુવતી પણ  આવી ફરિયાદ લઇને પોલીસ મથકે પહોંચી નથી.જોકે આ બાબતને તેમણે ગંભીર ગણાવી હતી અને મીડિયાના અહેવાલ પરથી મહિલા  પીઆઇને તપાસ કરવા સૂચના આપશે અને જરૂર પડ્યે જવાબદાર સામે કાર્યવાહીની પણ વાત કરી હતી.

એન્કર તૃપ્તિ એ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઘટના બાદ હું ખૂબ દુખી થઇ ગઇ હતી.  મે સોંશિયલ મીડિયા પર એક વીડિયો મુક્યો હતો જેમાં મે આક્રોશ ઠાલવ્યો હતો પરંતુ બાદમાં ડિલિટ કરી નાખ્યો છે. એના કાર્યકરો આવશે,મારા મા-બાપને હેરાન કરશે. આ સ્થિતિમાં જીવવું એના કરતા મરી જવું સારું આ દેશમાં. એન્કરિંગના જે પૈસા આપ્યા છે તે પણ તેના મોં પર ફેંકીને જવું છે. નફરત છે મને આ દેશની સિસ્ટમ પર.

મારું મર્ડર થાય તો તેની ચિંતા નથી હું મારા મા બાપને મુકીને જઇ શકું નહીં. મારે ટેન્શનમાં જીવવાનું? દર મહિને રૂ.1 લાખનો હપ્તો ભરું છું, મારી માં બીમાર હોવાથી હોસ્પિટલનો ખર્ચ છે. આમની સામે પડું તો મારી લાશ પણ હાથ ન આવે.મારે મહેનત કરીને પૈસા કમાવવા છે, હું પીએચડી છું. અભણ નથી, દેશમાં કોઇ સિસ્ટમ છે?

Back to top button