News

શાંત જોવા મળતા સમુદ્રમાં સવારથી તોફાની પવનો જોવા મળ્યા,ભારે પવન સાથે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે.આ ડીપ્રેશન ના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડાને હવામાન વિભાગ દ્રારા વાયુ નામ આપવામાં આવ્યું છે. આ વાયુ વાવાઝોડું અત્યારે વેરાવળ બંદરેથી 740 કિલોમીટર દૂર છે.હવામાન વિભાગની આગાહી મુજબ 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે જેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ડીપ્રેશન પૂર્વે જ પોરબંદરની ચોપાટી પરથી પોરબંદરના સમુદ્રમાં એકાએક પરિવર્તન આવેલું જોવા મળે છે. શાંત જણાતા સમુદ્રમાં આજે સવારથી તોફાની કરંટ જોવા મળ્યો છે.

સવારથી જ ઉનાના દરિયાઇ નવાબંદર પર પવનોની શરૂઆત થઇ ગઈ છે અનેઆ વાવાઝોડાના પગલે 300થી વધુ નાની-મોટી ફિશિંગ બોટ પરત ફરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઉનાના સૈયદ રાજપરા બંદર પર 200 થી વધુ ફશિંગ બોટ પરત ફરી છે. બીજી તરફ વેરાવળ બંદર પર તમામ બોટ પરત આવી ગઇ છે અને માછીમારો પણ સુરક્ષિત બંદરે પહોંચ્યા છે. ગઇકાલે 47 બોટ દરિયામાં હતી. તંત્ર દ્વારા તે તમામને બંદરે પાછી બોલાવવામાં આવી છે. વેરાવળમાં હાલ શાંત વાતાવરણ છે.

ભારે વરસાદને પગલે હવામાન વિભાગ સતર્ક થયું છે,વાવાઝોડાના પગલે ગીરસોમનાથના 40 ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વેરાવળના 9, સુત્રાપાડાના 7, કોડીનારના 8 અને ઉનાના 17 ગામડા નો સમાવેશ થાય છે.અહી ઉલ્લેખનીય છે કે NDRFની ટીમ વેરાવળ આવવા રવાના થઇ ગઇ છે. જિલ્લાનું સમગ્ર તંત્ર સાબદુ થયું છે. પોરબંદર જિલ્લાની તમામ 4229 બોટ બંદરે પાછી આવી ગઇ છે, દરિયામાં એક પણ બોટ ન હોવાનું ફીશરીઝ વિભાગ દ્વાર જણાવાયું છે. ઘોઘા-દહેજ રો રો ફેરી અત્યારે વાવાઝોડાને પગલે બંધ કરી દેવામાં આવી છે.

આજે સવારથી જ વાવાઝોડાની દહેશતને પગલે જાફરાબાદ બંદર પર તંત્ર દ્વારા ૧ નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું હતું. આમ તો માછીમારીની સિઝન પૂર્ણ થઇ ગઈ હોવાના કારણે મોટાભાગના માછીમારો કાંઠે પરત આવી ગયા છે. આમ છતા બાકી બચેલા થોડા ઘણા માછીમારોને પણ સલામત રીતે કાંઠે આવી જવા અને દરિયાનું ખેડાણ ન કરવા કડક સુચના હવામાન વિભાગ દ્રારા આપી દેવામાં આવી છે.આ ભારે આગાહીના પગલે અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરી દેવામા આવ્યા છે. દરમિયાન મોડી સાંજે જિલ્લા કલેકટરે એલર્ટની સ્થિતિને પગલે કર્મચારીઓની રજા રદ કરવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દાયકા દરમિયાન અમરેલી જિલ્લામા પાંચ વાવાઝોડા આવ્યા હતા જેણે મોટી તબાહી પણ મચાવી હતી.

દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી રજિસ્ટ્રેશન થયેલ કુલ 5221 તમામ માછીમારી બોટો કિનારે આવી ચૂકી છે. માછીમારોએ પોતાની બોટો દરિયા કિનારા પર બંદરો પર લંગારી દિધી છે.અહી ઉલ્લેકનીય છે કે હવામાન વિભાગની આગાહી ને પગલે 15 ઓગષ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાગરખેડૂઓ માટે માછીમારી વ્યવસાય 15 ઓગષ્ટથી 9 સુધી ચાલે છે. આ સમયગાળામાં માછીમારી દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે. દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં મોટા પ્રમાણમાં માછલીઓનો જથ્થો મળી રહેતો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પણ માછીમારી આવે છે. જિલ્લાના 10 બંદરો પરથી કુલ 5221 જેટલી માછીમાર બોટોનું રજિસ્ટ્રેશન થયેલું છે. 9 જૂનથી 15 ઓગષ્ટ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોવાથી દરિયામાં મોજાનું પ્રમાણ વધારે રહેતું હોય છે. તેમજ આ સમયગાળામાં માછલીને તેમની પ્રજનનની ઋતુ દરમિયાન સરક્ષણ આપવાનું હોય છે. જેથી બોટોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.હવામાન વિભાગ આ વાવાઝોડાના પગલે ખુબ જ સતર્ક થયું છે.

હવામાન વિભાગની આગાહી ને પગલે વાયુની અસર આજે સાંજથી કચ્છમાં વર્તાવવાનું શરૂ થશે અને બુધથી શુક્રવાર દરમિયાન કચ્છના મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ગઈકાલે રાત્રે પ્રકાશિત કરેલા બુલેટીનમાં જણાવ્યું કે સાયક્લોનમાં તબદીલ થવા જઇ રહેલી સિસ્ટમ હાલમાં વેરાવળથી 740 કિ.મી દુર કેન્દ્રિત છે. 24 કલાક એટલે કે બુધવારની સાંજથી ગુરુવારની સવાર સુધી તે સિવીયર સાયક્લોન બની પોરબંદરથી મહુવા વચ્ચે 135થી 150 કિ.મીની ઝડપે ભારે પવન સાથે પસાર થાય તેવી સંભાવના છે. ભુજ હવામાન વિભાગની કચેરીના રાકેશ કુમારે જણાવ્યું કે કચ્છમાં 45થી 75 કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શકયતા દેખાડી હતી. આજે સાંજથી વાદળો છવાવવાનું શરૂ થઇ જશે એવું પણ વધુમાં એમણે જણાવ્યું હતું.

હવામાન વિભાગે દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી ને પગલે કલેક્ટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કરીને જણાવ્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે.હવામાન વિભાગની આગાહીને પગલે દરિયો તોફાની થવાની શક્યતા દર્શાવી કલેકટરે માછીમારોને માહિતગાર કર્યા છે.છેલ્લા 3 થી 4 દિવસથી મોટી સમુદ્રી ભરતીના કારણે તિથલ બીચ પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.માછીમારોને આકસ્મિક સંજોગોમાં સાવધ રહેવા જણાવ્યું છે.અને જરૂર પડ્યે કંટ્રોલ રૂમ ને સંપર્ક કરવા હેલ્પ લાઈન નંબરો પણ જાહેર કર્યા છે. એમને કહ્યું છે કે જરૂર પડે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.વાદળિયા હવામાન વચ્ચે બે દિવસથી 67 ટકા ભેજ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહીને લઈને સુરત શહેરનું તંત્ર પણ સતર્ક થઇ ગયું છે તમને જણાવી દઈએ કે સુરતના વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો છે.

Back to top button