Gujarat

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ: 135 કિમી ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત: આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.  110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી હાલ હવામાન વિભાગે કરી છે. ભારે પવન અને વરસાદથી ભારે નુકસાનના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે. હાલ તો વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર લક્ષદ્વીપ ટાપુની આસપાસ છે અને ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. દીપ ડિપ્રેશનને કારણે 12થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડાં જ કલાકોમાં ભારે વરસાદ ખાબકી જાય તેમ છે.

વાવાઝોડા દરમિયાન સમુદ્ર કિનારે બે મીટરથી વધુ ઊંચા મોજાં ઉછળે તેવી આગાહી બાદ સરકારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપી દેવાયું છે. પ્રવાસીઓને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.  સરકારે બચાવ કામગીરી માટેના પગલાંની તૈયારીઓ શરુ કરી દીધી છે. બચાવ માટે એનડીઆરએફની ટુકડ઼ીઓ, નૌકાદળ, એરફોર્સ, લશ્કર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને પોલીસ તંત્રની મદદ લેવાઇ રહી છે. બચાવ માટે રાજયની 11 અને બહાર ની 11 ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માં તૈનાત કરાશે.

અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે. 24 કલાકમાં હાલ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક મહત્વની વાત એ છે કે આ વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતમાં ચોમાસુ મોડું શરુ થશે.ચોમાસું જૂલાઈ મહિનાથી શરૂ થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનનગર, દ્વારકા અને કચ્છનાં ગાંધીધામ. માંડવી અને નલિયા વિસ્તારમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળશે. 9 જૂને લક્ષદ્વીપની સાથે દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ અરબ સાગર પર હવાનું હળવું દબાણ સર્જાયું હતું, જે વધુ મજબૂત બન્યું અને 10 જૂને સવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું  અને આગળ વધી આગામી 24 કલાકમાં વાયુ વાવાઝોડામાં રૂપાંતરિત થશે. તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડશે. તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવન ફૂંકાશે અને હળવો વરસાદ પડશે.

કચ્છ-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ: ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિમીની ઝડપે પવન અને વાવાઝોડુ ત્રાટકવાનું છે. જેથી ફિશરીઝ વિભાગ દ્વારા 12થી 14 જૂન દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે જાણ કરાઈ છે. તેમજ આવતીકાલે NDRFની ટીમો તૈનાત કરવામાં આવશે. કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

Back to top button