Gujarat

‘વાયુ’એ દિશા બદલી, વધુ તીવ્ર બનેલું વાવાઝોડું હવે ગુજરાતમાં ક્યાં ત્રાટકશે જાણો

‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકવાનું છે ત્યારે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુએ હવે દિશા બદલી છે અને તેણે વેરાવળથી પોરબંદર દિશામાં આગળ વધી રહ્યું છે. તે હવે વેરાવળ-દ્વારકા વચ્ચે ત્રાટકશે. ત્રાટકવાનો સમય પણ બદલાયો છે. પહેલા આ વાવાઝોડું 13મીએ સવારના ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી પણ હવે તેણે દિશા બદલતા તે બપોરે બાદ વેરાવળથી દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતા છે. તેની તીવ્રતા વધી ગઈ છે. વાવાઝોડાની અસર 24  કલાક સુધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યના તમામ દરિયાકિનારે 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 9 નંબરના સિગ્નલનો મતલબ છે કે અહીં તોફાની વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. અનેક શહેરોના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ બપોર પછી હવામાન પલટાયું હતું અને રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. અમદાવાદ ઉપરાંત તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે.

‘વાયુ’ને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, દ્વારકા ઉપરાંત વડોદરા, સાબરકાંઠાના પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ મોડી સાંજે વાતાવરણ પલટાયું હતું અને પહેલા ભારે પવન ફૂંકાયા બાદ શહેરના અનેક  વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  ખંભાળિયામાં વીજળી પડતાં ત્રણ પશુઓના મોત થયાની વિગતો પણ સામે આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ કન્ટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા.  અધિકારીઓ સાથે રૂપાણીએ સમીક્ષા બેઠક કરી છે જેમાં દરિયાકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરી રહ્યાં છે.અત્યાર સુધીમાં 47 એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. ઉપરાંત આર્મીની 34 ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે

Back to top button