AhmedabadGujarat

અમદાવાદ: 22 બાળકો ભરેલી વાનના ડ્રાઈવરે દરવાજો ખુલો રાખ્યો, ચાલુ વાને 3 બાળકો નીચે પડતા એક ગંભીર

અમદાવાદ: 22 બાળકોને ભરીને પૂરપાટ દોડી રહેલી એક સ્કૂલવાન અકસ્માતનો ભોગ બની છે. અમદાવાદના નિકોલ વિસ્તારની પંચામૃત સ્કૂલની આ વાનમાં  એટલા બાળકો ભર્યા હતા કે તેનો દરવાજો પણ બંધ નહોતો થયો. વળાંકમાં ડ્રાઈવરે સ્પીડ ઓછી ન કરતા ત્રણ બાળકો ચાલુ ગાડીએ નીચે પડી ગયા હતા જેમાંથી એક વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાનું બહાર આવી રહ્યું છે.

એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થઈ છે તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.  ઘટના બન્યા બાદ સ્કૂલના સંચાલકોએ ઘટનાસ્થળે આવવાની તસ્દી પણ નહોતી લીધી. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરીને બેફામ દોડતી વાહનો કેટલી જોખમી છે તે સવાલ ફરી ઉભો થયો છે. વાનમાં 22 બાળકો બેસાડવા અંગે વાનના ડ્રાઈવરે જણાવ્યું હતું કે એક વાન બગડી ગઈ હોવાથી તેના બાળકો પણ આ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. વાનમાં બાળકોની સંખ્યા 22 થઈ ગઈ હતી.

સ્કૂલવાનમાંથી બાળકો નીચે પટકાવવાની ઘટના બાદ અમદાવાદ આરટીઓ તંત્ર જાગ્યું હતું. આરટીઓ અધિકારીઓ પંચામૃત સ્કૂલ પર પહોંચ્યા હતા. કેટલા બાળકો વાનમાં આવે છે. સ્કૂલવાનનું ફિટનેસ સર્ટિફિકેટ હતું કે કેમ તે અંગેની પણ તપાસ કરવા પહોંચ્યા હતા.ઘટનાને પગલે જી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ હોસ્પિટલમાં પોહચી ઈજાગ્રસ્ત બાળકીનું નિવેદન અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

સ્કૂલવાનમાંથી નીચે પટકાયેલા બાળકોના વાલીઓ સ્કૂલવાન ચાલક સામે ફરિયાદ નોંધાવવા નિકોલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પોલીસે તેઓને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને પગલે અમદાવાદ આરટીઓની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. બે દિવસ પહેલા જ આરટીઓ દ્વારા સ્કૂલવાનના ચાલકો નિયમોનું પાલન કરે છે કે કેમ, વાહનોની ફિટનેસ કેવી છે તેનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું ખુદ ARTO એસ.પી મુનિયાએ જણાવ્યું હતું પરંતુ ત્યારે જ આવી ઘટના સામે આવી છે.

Back to top button