India

બિહારઃ ચમકી તાવથી 108 કુમળા બાળકોના મોત, તસવીરો જોઈ દ્રવી ઉઠશે હૃદય

બિહારઃ જેમનું બાળક હોસ્પિટલની પથારી પર પડ્યું છે અને ચમકી તાવ એટલે કે Acute Encephalitis Syndrome સામે ઝઝૂમી રહ્યું છે. અત્યાર સુધીમાં 108 બાળકોના સારવારના અભાવે મોત થયાં છે.  હજુ ઘણાં બાળકો હોસ્પિટલની પથારીમાં પડ્યા છે. બેભાન હાલતમાં પોતાના બાળકોને જોઈને મા-બાપ એ હદે નિરાશ અને પરેશાન છે કે તસવીરો જોઈને પથ્થરદિલની આંખ પણ ભીંની થઇ જાય.

પોતાના લાડલાને પુચકારતી આ માને જોઈ લો. આવી હજારો મા હોસ્પિટલમાં જોવા મળશે અને પોતાના બાળકને દમ તોડતા જોઈ રહી છે. મુઝફ્ફરપુરની હોસ્પિટલ આ બીમારી માટે તૈયાર નહોતી.  આ વિસ્તાર વારંવાર એઈએસની ઝપેટમાં આપતો રહે છે. એક પથારી પર 2-4 બાળકો ભરતી છે અને હોસ્પિટલની જવાબદારી માત્ર બેથી ત્રણ ડોક્ટર્સ પર જ છે.

બિહારના મુઝફ્ફરપુરમાં એઈએસથી અત્યાર સુધીમાં 108 કુમળા ફૂલ જેવા બાળકોના મોત થઈ ચૂક્યા છે.હોસ્પિટલમાં એક ભારેખમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. મુઝફ્ફરપુરની મુખ્ય હોસ્પિટલ SKMCHમાં બે-ત્રણ ડોક્ટર્સ અને કેટલીક સ્ટૂડન્ટ નર્સની મદદથી આ બાળકોની સારવાર ચાલી રહી છે.

કોણ મા હશે જે પોતાના ખોળામાં બાળકને આ હાલમાં જોવા ઈચ્છશે. દેશભરમાં આ બાળકો માટે પ્રાર્થનાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે સારવારના અભાવે કેમ બાળકોના મોત થઈ રહ્યા છે.

સમગ્ર હોસ્પિટલમાં હાલ સન્નાટો પ્રસરાયો છે. કોઈને પોતાનું લાડલું બાળક ગુમાવ્યાનું દુઃખ છે તો કોઈ મરણાસન્ન અવસ્થામાં બાળકને જોઈને પોતાને જ આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવી રહ્યું છે.

મુઝફ્ફરપુરમાં દમ તોડી રહ્યાં મોટાભાગના બાળકો એકદમ ગરીબ પરિવારમાંથી છે. પરિવાર સમગ્ર રીતે સરકારી વ્યવસ્થા પર આધારીત છે પરંતુ હોસ્પિટલમાં દવા, ડોક્ટર તેમજ સૌથી જરુરી ઈચ્છાશક્તિનો સંપૂર્ણપણે અભાવ છે.

એઈએસથી બાળકોના મોત પર સરકાર સામે ભારે આક્રોશ અને ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી, કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અને બિહારના સ્વાસ્થ્ય મંત્રીઓની મુલાકાત પછી પણ બાળકોના મોતનો સિલસિલો રોકવાનું નામ નથી લેતું. બીમારી ચરમસીમા પર પહોંચી હોવાના 18 દિવસ પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં નીતિશની મુલાકાત દરમિયાન બહાર લોકોએ પૂરજોશમાં વિરોધ કર્યો હતો અને ‘નીતિશ કુમાર પરત જાઓ’ના સૂત્રોચ્ચાર કર્યા હતાં.

Back to top button