GujaratStory

એક સમયે IPS ભટ્ટની બદલીના વિરોધમાં કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરેલા, એજ સંજીવ ભટ્ટને થઇ આજીવન કેદની સજા

આઈપીએસ સંજય ભટ્ટ વિષે જાણીએ તો આઈઆઈટી બોમ્બેમાંથી એમટેક કરેલું છે અને ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી છે.સંજીવ ભટ્ટ જયારે એક સમયે જેલના વડા હતા ત્યારે તેમની બદલીના વિરોધમાં કેદીઓ પણ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા એટલી એમની ચાહના હતી અને આજે આ જ પૂર્વ આઈપીએસ કેદી બની ગયા છે. અહી ઉલ્લેખનીય છે કે ૧૯૯૦ ના કસ્ટોડીયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટની કારકિર્દી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. તમને જણાવી દઈએ કે, સંજીવ ભટ્ટ હાલ ૧૯૯૬ ના પાલનપુરના એનડીપીએસ કેસ મામલે જેલમાં છે.

સંજીવ ભટ્ટ ના કાર્યકાળ દરમિયાન ભટ્ટની અચાનક થયેલી ટ્રાન્સફરના વિરોધમાં ૧૮ નવેમ્બર૨૦૦૩ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે તોફાનો ફાટી નીકળ્યા હતા. આ સમયે કેદીઓએ સવારથી નાસ્તો લેવાનો ઈન્કાર કરી દીધો હતો.અને ૬ કેદીઓએ તો પોતાના કાંડા પણ કાપી નાંખ્યા હતા અને લગભગ ૪૦૦૦ જેટલા કેદીઓ સંજય ભટ્ટને બેરેકમાં પાછા લાવવાની માંગ સાથે ભૂખ હડતાલ પર બેસી ગયા હતા.

સંજીવ ભટ્ટના પિતા રાજેન્દ્ર ભટ્ટ અમદાવાદામાં આવેલ હઠીસિંગ ટેક્સટાઈલ મિલમાં મેનેજર હતા. સંજીવ ભટ્ટે આઈઆઈટી બોમ્બેમાંથી એમટેક કર્યા બાદ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી.અને આ સમય ગાળા દરમિયાન જ તેમની ક્લાસિકલ ડાન્સર શ્વેતા ભટ્ટ સાથે મુલાકાત થઈ હતી અને ૧૯૯૭ માં બન્ને લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આ સમયે સંજીવ ભટ્ટ પહેલા એવા ગુજરાતી હતા જે સીધા જ આઈપીએસ તરીકે ભરતી થયા હતા. સંજીવ ભટ્ટ સ્ટેટ, બોર્ડર અને વીવીઆઈપી જેવી ઈન્ટરનલ સિક્યુરિટી સૌથી લાંબા સમય સુધી ઈન્ટેલિજન્સ ઓફિસર પણ રહ્યા હતા. સંજીવ ભટ્ટ ફિટનેસને મામલે ખૂબ જાગૃત છે અને દરરોજ ૧૫ કિલોમીટર જેટલું રનિંગ કરતા હતા. તેમને સંતાનમાં એક દિકરી અને દિકરો છે.

તમને જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે એ સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇને પણ ખૂબ વિવાદ થયો હતો.

સંજીવ ભટ્ટે ૨૦૧૧ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું જેને લઈને કાયદાકીય ખુબ વિવાદો થયા હતા .સંજીવ ભટ્ટે કરેલા આ સોગંદનામામાં નરેન્દ્ર મોદી પર ગોધરાકાંડ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ૨૦૦૨ ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી.

સંજીવ ભટ્ટને ૨૦૧૧ માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા દૂરઉપયોગ જેવી બાબતને લઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ૨૦૧૫ માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે જામનગર સેશન્સ કોર્ટે ૧૯૯૦ ના જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ને આજીવન કેદની સજા ફટકારી છે.અહી ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.

આ સમગ્ર કેસમાં સંજીવ ભટ્ટ સહિત ૨ પીએસાઈ અને ૪ કોન્સ્ટેબલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તત્કાલીન બે પીએસઆઈ શૈલેષ પંડ્યા અને દીપક શાહને બે વર્ષની સજા આપવામાં આવી છે અને સાથે સાથે જામીન મંજૂર કર્યા છે. તેમજ ત્રણ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજા,અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજાને બે-બે વર્ષની સજા ફટકારી છે. અને પ્રવીણસિંહ ઝાલાને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસની તપાસ દરમિયાન ૩૨ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને ૧૦૦૦ જેટલા દસ્તાવેજી પુરાવા ચેક કર્યા હતા. જ્યારે ૫૦૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે જોઈએ તો સંજીવ ભટ્ટ જ્યારે જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા ત્યારે અડવાણીની રથયાત્રા દરમિયાન કોમી રમખાણો પર કાબૂ મેળવવા ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ ના રોજ જામખંભાળિયામાંથી ૧૩૩ લોકોની અટકાયત કરી હતી. જેમાં પ્રભુદાસ વૈષ્નાની નામના એક વ્યક્તિ પણ સામેલ હતા. પરંતુ ત્યાર બાદ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ પ્રભુદાસ વૈષ્નાનીએ હોસ્પિટલમાં જ પોતાના પ્રાણ છોડી દીધા હતા. ત્યાર પછી આ મૃતકના ભાઈએ સંજીવ ભટ્ટ અને બીજા ૬ પોલીસ કર્મીઓ સામે તેમના ભાઈને ટોર્ચર કરવાનો આરોપ મુકીને પોલીસ ફરિયાદ કરી હતી.

Back to top button