BjpGujaratSurat

સુરત સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ પરચો બતાવ્યો: ટાંટિયા તોડાવી નાખવાની ધમકી આપી

સુરત: આરોગ્યમંત્રી કુમાર કાનાણીને બદલે આજે મજૂરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં  ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈને ડોક્ટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને રીતસરના ખખડાવી નાખ્યા હતા અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ  બે મહિના પહેલાં સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે ડોક્ટરો અને સ્ટાફને અપૂરતી સુવિધા મામલે સૂચના આપી હતી. ત્યારબાદ આજે અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. તેમણે દર્દીઓ સાથે પણ વાત કરી હતી. તપાસમાં અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી હતી. જેથી ધારાસભ્યએ ડોક્ટરો અને સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને રીતસરના ખખડાવ્યા હતા અને ટાંટીયા તોડી નાખવા સુધીની ચિમકી પણ આપી હતી.

તપાસમાં અપૂરતો દવાઓનો જથ્થો, અપૂરતી વ્યવસ્થા સહિતના મુદ્દાઓ સામે આવ્યા હતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં બંધ રહેલા એક્સ-રે મશીન અને એસી ગાયબ હોવાના કારણે પણ આડેહાથ લીધા હતા. ધારસભ્ય હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું  કે સિવિલ હોસ્પિટલની મુલાકાત હું રેગ્યુલર રીતે લેતો જ હોવ છું. મારી પાસે ફરિયાદો આવતી હોય છે. ત્યારે અઠવાડીમાં બે-ત્રણ કલાક સિવિલ હોસ્પિટલમાં આપતો જ હોવ છું.

સુરત શહેર સિવિલ હોસ્પિટલની મને ઘણા સમયથી અનેક ફરિયાદો મળેલી. જેમાની એક ફરિયાદ છે કે પંખા બધું બંધ પડી ગયું હતું. મહિનાઓથી PIU ડિપાર્ટમેન્ટ સિવિલ હોસ્પિટલને જવાબ નહતો આપતો. તેથી તાત્કાલિક ધોરણે એર કુલર અને પંખાની વ્યવસ્થા અમે લોકોએ કરાવી હતી. હું આવ્યો ત્યારે મને જાણકારી મળી કે આઠ-આઠ મહિના થઈ ગયા હોવા છતા એક નાનકડો ઈલેક્ટ્રિકનો પ્લગ નાંખ્યો નથી. જો આવનારા દિવસોમાં તે લેટર અને તેની ગંભીરતા નહીં સમજી શકે તો આવનારા દિવસોમાં હું પોતે તેની સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીશ. આ બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી શકે છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું  કે સામાજિક સંસ્થાઓ પાસેથી મે બે એક્સ-રે મશીન મુકાવડાવ્યા હતા. પરંતુ આઠ મહિનાથી તાળા લાગેલો એક્સ-રે મશીનનો રૂમ જોયો ત્યારે મને ખૂબ જ દુઃખ લાગ્યું છે. પબ્લિકને સેવા આપવા માટે અમે ક્યાંક ને ક્યાંક સમાજ પાસેથી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવતા હોઈએ છીએ, ત્યારે આઠ મહિનાથી એક્સ-રે ડિપાર્ટમેન્ટ બંધ હોય તે ગંભીર બાબત છે. આ બાબતે મેં ડીનને પણ માહિતી આપી છે.

Back to top button