AhmedabadGujaratNews

આતુરતાનો અંત : હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ જાહેર કરી

ઉનાળાની આ અગનતપી ગરમીથી કંટાળીને લોકો ચોમાસાની રાહ ચાતક નજરે જોઈ રહ્યા છે જોકે અમુક જગ્યાએ થોડો ઘણો વરસાદ પડ્યો છે પરંતુ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઇ નથી.હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ આવતા અઠવાડિયાની શરૂઆતમાં સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસુ બેસી જશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો છે ત્યારે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ચોમાસુ સામાન્ય કરતાં ૯ દિવસ જેટલું મોડું પડ્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું છે કે “ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે અને રાજ્યના દક્ષિણ ભાગમાં ૨૪ તારીખે ચોમાસું સત્તાવાર રીતે આવી પહોંચશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિતના છૂટછવાયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેને લઈને હવામાન વિભાગ દ્રારા ચેતવણી પણ આપવામાં આવી છે.”

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, વાયુ વાવાઝોડના કારણે ચોમાસાને ચોક્કસ અસર થઈ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “વાવાઝોડાના કારણે દેશના ઉત્તર ભાગમાં વરસાદ ખેંચાયો છે. જો કે,એને લઈને સકારાત્મક બાબત એ છે કે, વાવાઝોડાના કારણે આખા ગુજરાતમાં પ્રી-મોન્સૂનની સ્થિતિ સર્જાઈ અને વરસાદ પડ્યો. જે સામાન્ય રીતે જૂન મહિનામાં રાજ્યમાં હોતો નથી.”

GSDMAની વેબસાઈટ પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૪ mm વરસાદ પડ્યો છે એટલે કે સીઝનનો ૫ % વરસાદ પડ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહે છે. સમગ્ર ગુજરાતમાં તાપમાન નીચું ગયું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ૩૮.૭  ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Back to top button