CrimeGujarat

સુરત પોલીસની ક્રુરતા સામે આવી,યુવકને ઢોર માર મારીને એની આંખ ફોડી નાખી

થોડા દિવસ પહેલા જ કસ્ટોડિયલ ડેથના કારણે ચર્ચામાં આવેલી સુરત પોલીસની ક્રૂરતાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.તમને જણાવી દઈએ કે જીતુ પાટીલ નામનો એક શખ્સ ગઈકાલે રાત્રે શહેરના પલસાણા રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે જીતુને પોલીસે અટકાવ્યો હતો, પરંતુ તે પોલીસના ડરના માર્યા ભાગી જતાં પોલીસે તેનો કારથી પીછો કર્યો હતો અને જીતુને પકડ્યો હતો.

સ્થાનિક મીડિયાથી મળતી માહિતી અનુસાર જોઈએ તો, કડોદરા GIDCમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓએ જીતુ ઢોર માર માર્યો હતો અને એટલો બધો ઢોર માર માર્યો હતો કે તેમાં તેની આંખ પણ ફુટી ગઈ છે. પોલીસે માર માર્યા બાદ જીતુ પાટીલને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ દરમિયાન તેની આંખમાં થયેલું ડેમેજ ખૂબ જ ગંભીર હોવાથી સર્જરી કરી તેની આંખ કાઢવી પડી હતી.

અહી ઉલ્લેખનીય છે કે જીતુ કડોદરામાં નોકરી કરે છે, અને ગત રાત્રે તે ૧ વાગ્યાના સુમારે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પ્રાઈવેટ કારમાં રહેલા ચાર પોલીસકર્મીઓએ તેને રોક્યો હતો.પરંતુ,ખાનગી કાર હોવાથી એ કારમાં રહેલા આ લોકો પોલીસ જ છે કે કેમ તે અંગે શંકા પડતાં જીતુ રોકાવાના બદલે ત્યાંથી રવાના થઈ ગયો હતો.

જોકે, આ ખાનગી કારમાં રહેલા પોલીસે તેનો પીછો કરીને તેને પકડ્યો હતો, અને તેની પાસે લાઈસન્સ માગ્યું હતું તેમજ રાત્રે ૧ વાગ્યે ક્યાં જઈ રહ્યો છે તે પૂછ્યું હતું. ગભરાયેલો જીતુ પાટીલ આ અંગે કંઈ જવાબ ન આપી શકતા ચાર પોલીસકર્મીઓએ તેને મારવાનું શરુ કર્યું હતું, અને આ દરમિયાન આંખમાં ગંભીર ઈજા થતાં જીતુને પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

Back to top button