AhmedabadGujarat

ગુજરાતમાં ફરી મેઘતાંડવઃ આ અઠવાડિયે દરેક શહેરોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પહેલા તો વરસાદ નહીં જ પડે તેવું લોકો કહી રહ્યા હતા પણ બીજા રાઉન્ડમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.સમગ્ર ગુજરાતમાં આ અઠવાડિયા દરમિયાન સારો વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાતો કહે છે. પહેલી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સીઝનનો 98 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી એવરેજ થી વધુ વરસાદ રાજ્યમાં વરસી ચુક્યો છે.

અમદાવાદમાં પણ આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે ભાવનગરના પાલિતાણામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં આગામી અઠવાડિયામાં વ્યાપક વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.હાલ તો બે સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે વરસાદ પડી શકે છે. રાજ્ય મંગળવાર અને બુધવારે સીઝનના 100 ટકા વરસાદને પાર કરી જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારે અને ગુરુવારે રાજ્યના 50થી 75 ટકા વિસ્તારોમાં વરસાદ પડશે. શુક્રવારે અને શનિવારે વરસાદ 75થી 100 ટકા ભાગ કવર કરશે.2018માં સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો હતો.  2017 અને 2016માં 112 અને 91 ટકા વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ સુધી પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. સાતમી સપ્ટેમ્બરે  સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સારી એવી ચાલુ છે અને સપાટી 134.99 મીટર સુધી પહોંચી ગઇ છે.  થોડાક જ દિવસોમાં સરદાર સરોવર 138ની પૂર્ણ સપાટીએ પહોંચે એવી શક્યતાઓ છે. ડેમમાંથી પાણી છોડીને હાલ અનેક ડેમો અને સરોવરો ભરવામાં આવી રહ્યા છે.

Back to top button