GujaratStory

મોરારિબાપુ વિવાદ વકર્યો: માયાભાઇ અને જય વસાવડાએ સ્વામિનારાયણ સંસ્થાનો એવોર્ડ પરત કર્યો, જય વસાવડાએ તો કહ્યું આવું

મોરારિબાપુના નિલકંઠવર્ણી નિવેદન બાદ સ્વામિનારાયણ સંતો અને મોરારી બાપુના ભક્તો વચ્ચે જાને ધર્મયુદ્ધ થયું હતું. પરંતુ સનાતન ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને હિંદુ સંતો વચ્ચે સમાધાન થતાં વિવાદ ઠંડો થયો હતો. પણ ફરી એકવાર આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો છે. ગુજરાતના લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, અનુભા ગઢવી અને લેખક જય વસાવડાએ સ્વામિનારાયણ સંસ્થાએ આપેલા એવોર્ડ પરત કરી દીધા છે.

સરધાર તરફથી જય વસાવડા અને માયાભાઈ આહીરને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ પરત કરવાની સાથે જય વસાવડાએ ફેસબુક પર એવોર્ડ પરત કરવાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે નિત્યસ્વરૂપ દાસજીએ મોરારિબાપુ વિરુદ્ધ કહેલા તોછડાઈભર્યા શબ્દોને કારણે તેઓ એવોર્ડ પરત કરી રહ્યા છે.

વિવાદની વાત કરીએ તો કથાકાર મોરારિબાપુએ એક કથામાં કહ્યું હતું કે જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે જ નીલકંઠ છે, જેમણે લાડુડી ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે.  સ્વામીનારાયણ સાધુએ મોરારિબાપુનો વિરોધ કર્યો હતો તે પછી સ્વામીનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીએ તેમાં ઝંપલાવ્યું હતું.

જય વસાવડાએ એવોર્ડ પરત કરતા ફેસબુક પર આ મુજબ પોસ્ટ લખી છે: પ્રિય મોરારિબાપુ , સ્વામીનારાયણ સંપ્રદાય અને નીલકંઠ વિવાદ બાબતે મારે જે કહેવાનું હતું એ તો સ્પષ્ટ ઓલમોસ્ટ અઠવાડિયા અગાઉ જ કહ્યું છે પહેલ કરીને કે એમાં બાપુ સાચા છે. એનું એકથી વધુ વાર પુનરાવર્તન કર્યું અને લાંબો વિડીયો planetJV યૂટ્યૂબ પર પણ દિવસો અગાઉ શેર કરી દીધો. અમુક મિત્રો એકની એક ચર્ચાથી કંટાળ્યા હશે તો એનું ફરી ફરી પુનરાવર્તન નથી કરવું. પણ આ પોસ્ટનો હેતુ જુદો છે.

કાલકૂટ વિષ પી ને પણ પણ એને પેટમાં નાખી પોતાના ભીતર નુકસાન ન થવા દે , બહાર કાઢી જગતને નુકસાન ન થવા દે એમ ધારણ કરવાથી જેનું ગળું ભૂરું થયું એ શબ્દશ: બધા બાપના બાપ એવા ભોળાનાથ દાદા નીલકંઠ. સમુદ્રમંથનની એ સિમ્બોલિક કથા વિશ્વવ્યાપી છે. થાઈલેન્ડના સ્વર્ણભૂમિ એરપોર્ટ પર પણ એનું ભવ્ય શિલ્પ છે. વાત તરીકે એ સદીઓ જૂની છે, અને અને નીલકંઠ શબ્દ સાથે મૂળ આસ્થા સનાતન ગણાતા ભારતની શિવ માટે જ હોય, જેનો તદ્દન મફતમાં ઘરની ટબૂડીમાં જળ ભરીને ય ગમે ત્યારે કોઈ પણ શિવમંદિરે જેણે શ્રદ્ધા હોય એ અભિષેક કરે એ પરંપરા પણ પ્રાચીન છે.

બાપુ એમની સહજ હળવાશ સાથે, એમની સ્પેસમાં એ ભારતીય દર્શનમાં આદિઅનાદિ રૂપે સહુના બાપ ગણાતા, સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ રુદ્ર રૂપે નિરુપિત સનાતન મહાદેવ બાબતે જ આસ્થા દ્રઢ કરે તો એમાં કશું જ ખોટું નથી. એ મહાદેવની માત્ર નામને લીધે સમાન હોવાની સરખામણી પણ કોઈ આદરપાત્ર , સુધારક , ભક્ત , સંત સાથે ન હોય. બધી ચમત્કારિક વાયકાઓ ( જેનું કનૈયાલાલ મુનશીએ તો એમના પુસ્તકમાં તાર્કિક રીતે એ સહજભાવે કેમ બની હશે અને કાળક્રમે લોકશ્રદ્ધામાં પરચા ગણાયા એનો ખુલાસો કર્યો જ છે ) હોવા છતાં નરસિંહ મહેતા કાયમ કૃષ્ણભક્ત જ રહે, નામ સરખું હોવા છતાં વિષ્ણુના નરસિંહ અવતાર તરીકે એમને પૂજવાનું કોઈ સ્થિરધીરબુદ્ધિ માટે શક્ય નથી. મુદ્દો જો કે, મૂળ આ હોવા છતાં આજે વાત જુદી કરવી છે.

બાપુના એક બે વાક્યોના દિવસો બાદ રહસ્યમય રીતે અચાનક જે અમુક ઉગ્ર વિરોધ એમના માટે થયો એમાં આરંભે બગસરાના એક સ્વામીનારાયણ સાધુએ તોછડાઈથી એમને માટે ઉચ્ચારેલા અણછાજતા અવિવેકી શબ્દો ઉપરાંત પ્રધાન સૂરમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવપીઠ સંચાલિત સ્વામીનારાયણ મંદિરના સંતશ્રી નિત્યસ્વરૂપદાસજી પણ બોલ્યા છે. એમનો લાંબો વિડીયો જોયો છે. એમણે કહ્યું કે એમણે ભૂતકાળમાં મોરારિબાપુને આદર આપ્યો છે, એ તો મોરારિબાપુએ પણ બધા તરફ આદર આપે જ છે એમ શ્રી સહજાનંદ સ્વામીને આદર આપેલો જ છે, એવું મારી સ્મૃતિમાં છે. મેં પોતે તો સ્પષ્ટ અગાઉ કહ્યું જ છે, કે સ્વામીનારાયણ સંપ્રદાયની અમુક બાબતો મને ઉત્તમ લાગી એ જાહેરમાં વખાણી જ છે, ન ગમી એની ટીકા ય કરી છે. અને અમુક પૂજનીય સંતો સાથે સંવાદ રહ્યો છે અને એ માટે પરસ્પર સ્નેહાદર પણ છે જ. આ બાબતમાં કોઈ ડબલ ઢોલકીની વાત જ નથી. કારણ કે આ વાત હું છુપાવતો નથી, પહેલેથી એ કહેવા બાબતે પ્રામાણિક છું. મારા માટે દુનિયા બહુરંગી છે. બ્લેક એન્ડ વ્હાઈટના વોટરટાઈટ વાડા નથી.

પરંતુ બાપુના વિરોધ સાથે આગળ એ જ વિડીયોમાં શ્રી નિત્યસ્વરૂપદાસજીએ ભક્તોને ચમત્કાર તરીકે આજે ય સ્વામીનારાયણના પરચા તરીકે ઉભેલી કાંટા વગરની બોરડીની વાત કરી, એમાં તો એવું છે કે ઝીઝીફ્સ જુજુબે તરીકે વનસ્પતિશાસ્ત્રમાં ઓળખાતી બોરડી મૂળ અરેબિયાનો છોડ છે. એની ઘણી જાતો છે. વગડાઉ બોરડીના નીચા છોડ જુદી, પીલુડી જેવા દેખાતા ઝાડ જુદા અને એમાં કાંટા વગરની બોરડીના વૃક્ષ પણ જગતમાં હોય છે. અંગ્રેજીમાં થ્રોનલેસ જુજુબે સર્ચ કરશો તો વિગતો મળશે. ઉપરાંત જુના શાસ્ત્ર, પુરાણ કે ગીતા વગેરેના શ્લોકો ટાંકી એમાં પરાણે જે નર નારાયણ કે અક્ષર બ્રહ્મ, પુરુષોત્તમના શ્લોકો ટાંક્યા એના અર્થની ખરાઈ કોઈ સંસ્કૃતના વિદ્વાન પાસે કરાવવા ઉપરાંત પણ એક સાદો તર્ક છે : રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીતમાં અનેક વખત જય જય જય હે લખ્યું હોય, મારા જન્મ પહેલા – તો એ જય વસાવડાને સંબોધીને ન જ લખ્યું હોય એટલી સમજણ સહજ હોવી જોઈએ.

ઠીક છે, આવા શાસ્ત્રાર્થ માટે પણ આ લખતો નથી. પણ એમની સંસ્થા દ્વારા એક રત્નાકર એવોર્ડ અપાય છે. વિવિધ ક્ષેત્રોના કલાકારોને. સન્માન બાબતે મોરો અભિગમ કાયમ એવો રહ્યો છે, કે સહજભાવે જ્યાં મળે એને હરિકૃપાનો પ્રસાદ ગણી મારો શબ્દ પોંખાય એમ માની અનુકુળતા હોય તો સ્વીકારવાનું. દરેકનું સ્વીકાર્યું છે, જઈ શકાય તો ને ત્યાં. રકમ સામે કદી જોયું નથી, પૂછ્યું પણ નથી ને ક્યારેય પડદા પાછળ પણ કોઈને ભલામણ કરવાનું કહ્યું નથી કે કોઈ દબાણ-આજીજી નથી કરી. જાહેરમાં જ લખું છું માટે ખંડન કરવું હોય એ આધાર સહિત કરી શકે છે. માર્ગમાં મળતા છાંયડાની જેમ સન્માન સહજ મળે ને અનુકુળ હોય મળે તો સ્વીકારવાનું, પણ એ મંઝિલ નથી એમ સમજી યાત્રા ચાલુ રાખવાની. હમણાં જ બેંગાલુરૂમાં એક સન્માન માટે આમંત્રણ હતું પણ એ તરીકે હું જઈ શકું એમ નહોતો તો વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો.

તો ૨૦૧૫માં સરધાર ખાતે રત્નાકર એવોર્ડ લેખન ક્ષેત્ર માટે મને મળેલો. આદરણીય રાવતબાપુની ઉપસ્થિતિમાં અમારા સુહ્યદ હરદેવભાઈ આહીરે લાગણીથી મારો સંપર્ક કરી એ બાબતે ઈચ્છા જતાવેલી, ને મેં સહર્ષ સ્વીકાર પણ કરેલો. પ્રતિવર્ષ એ અપાય છે. સારી વાત છે, એ માટે આભાર. પણ આજે પ્રિય બાપુ વિષે એમના અને એમની સંસ્થા દ્વારા સંતો ઘસાતું બોલ્યા હોય, ત્યારે અંગત રીતે એ એવોર્ડ મારી પાસે રાખવો પણ મને ખૂંચે છે. એનું સન્માનપત્ર ઘરમાં રાખ્યું છે એ, અને એ સાથે મળેલ ૨૧,૦૦૦ની ધનરાશિ નૈતિક ધોરણે મારી પાસે રાખવી પણ મને બાપુના ભાવક તરીકે યોગ્ય નથી લાગતી. આમાં કોઈ બહિષ્કારની વાત જ નથી. પણ આ ચોક્કસ સંસ્થાનો બાપુ પ્રત્યેનો, અને વિશેષ તો બાપુએ કહેલી સનાતન ધર્મની સાચી વાત વિષેનો નકારાત્મક અભિગમ મને તો ખૂંચ્યો જ છે.

કાં પ્રેમના મનોમન કમિટમેન્ટ કરવાના નહિ, ને કરવા તો એમાં દિલચોરી નહિ, એ મારી પ્રકૃતિ રહી છે. વિધ્નસંતોષીઓ ગમે તે કહે. માટે આ સાથે એ લેખન રત્નાકર એવોર્ડ હું બગસરા / સરધાર સ્વામીનારાયણ સંસ્થાને પરત કરું છું. એ વખતે પણ હું મિત્ર શ્રી હરદેવભાઈ મારફતે જ ત્યાં ગયો હતો. એમની મારા માટે સદાય સદ્ભાવની જ લાગણી રહી છે, ને બાપુ સાથે એમનો ય ઘનિષ્ઠ નાતો છે જ. તો હું એ સન્માનપત્ર અને ૨૧,૦૦૦ રૂપિયા સાદર વંદન સાથે પ્રિય મોરારિબાપુ માટે મારા અંતરમાં ઉઠેલા ભાવને લીધે જ હરદેવભાઈને વિવેકપૂર્વક પહોંચાડી દઈશ. જેની આ સાથે જેમ સન્માન જાહેરમાં સ્વીકાર્યું હતું એમ જ એ પરત આપવાની જાહેરમાં જાણ કરું છું. ને આ મારા દિલમાં ઉઠેલો ભાવ છે, ને એ બાબતે રુસ્વા મઝલૂમીના શેર જેવું જ કાયમ વલણ રહ્યું છે :

હું એક મુસાફર નિર્ભય થઇ, સાંજસવારે ચાલુ છું
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઇશારે ચાલુ છું.

હા, એક સ્પષ્ટતા કોલેજની નીકરી ૨૦૦૨માં છોડી ત્યારે તો મોરારિબાપુના એ ઓળખે એવા સંપર્કમાં ય નહોતો. ત્યારથી આજ સુધી મારા શામળિયાની હૂંડીએ મારા રોટલા નીકળે છે. હું કોઈ જ નોકરી નથી કરતો. હું ‘રોટલીયો’ જરૂર છું, પણ મારા ચાહક શ્રોતાઓ અને વાચકોનો. જેમનો ભરપૂર પ્રેમ મળતો રહે છે. એને લીધે યાત્રા થતી રહે છે. કેટલાક ઝગડાખોર તત્વો પોતાની સ્વામીનારાયણ સમ્પ્રદાય સામે પોતાની અંગત અદાવતની વસૂલાત કરવા બાપુના પ્રેમીઓને ‘રોટલીયા’ કહી બીજાઓને ઉશ્કેરતા હોય છે. બાપુ એમની દુનિયામાં , હું મારી દુનિયામાં મસ્ત છું. એ મારા માટે વ્હાલ રાખે છે, એમાં એમનો કોઈ સ્વાર્થ હોવાનો સવાલ જ નથી. હું તો રજકણમાત્ર ગણાઉં એમની સામે. અને મારો એમના માટેનો પ્રેમ અંદરથી આવતો સહજ છે. એમાં કોઈ ગણતરી કે સ્વાર્થનો અંશમાત્ર નથી હોતો કે ના કશું મેળવવાની અપેક્ષા છે.

મને બાપુ પોતીકા લાગે છે, તો લાગે છે. મુઝે ઉન સે મહોબ્બત હૈ, તો હૈ. કારણ નહી આપું, કારણ મને ગમે છે. વાત આ ગમવાની છે. કોઈ સોદાની નથી. બાપુ માટે જેમને ભાવ ન હોય, જે સંસ્થાએ બાપુનું નામજોગ અવિવેકથી અપમાન કર્યું હોય, વિરોધ કર્યો હોય એમનો એવોર્ડ પાસે રાખતા અને એની સામે રોજ ઘેર જોતા મારો અંતરાત્મા ડંખે છે. બધાને જેમ પોતાના વ્યક્તિગત નિર્ણયો અને પસંદ હોય એમ મારે ય હોય. બાપુ વિષે અંગત ઝેરથી જેમતેમ બોલતા શબ્દો કાયમ મેં સખ્ત શબ્દોમાં વખોડ્યા જ છે. કારણ કે મેં બાપુને નજીકથી જોયા છે. એમને સમજવાનું બધાનું ગજું જ નથી. આ બોજ હળવો કરવામાં કોઈ મનોમંથનની મારે જરૂર નથી. મારી સાઈડ એકદમ ક્લીઅર છે. હરિકૃપાએ પ્રસિદ્ધિ મળી છે જ, એટલે આ કોઈ સ્ટન્ટ નથી. હું બાપુનો પ્રેમી છું, પ્રતિનિધિ નથી. બાપુ માટે મને ઉઠતો ભાવમાત્ર છે. અને બાપુના મનમાં આવો સહજ અનુરાગ સનાતન ભારત માટે છે, એ હું અનુભવી શકું છું.

રત્નાકર એવોર્ડ મને આપવા માટે સંસ્થાનો, ખાસ તો હરદેવભાઈનો આભાર. પણ અત્યારે મને એ રાખવો યોગ્ય નથી લાગતો. મને કોઈએ કહ્યું નથી, પણ સ્વેચ્છાએ મારો રત્નાકર એવોર્ડ ધનરાશિ સહિત સવિનય હું મોરારિબાપુના સમર્થનમાં પરત કરું છું. મિત્ર હરદેવભાઈને એ પહોંચાડી દઈશ. જાહેરમાં એવોર્ડ સ્વીકારેલો, એટલે આ જાહેરમાં વાત મુકી.

આ આત્મનિવેદન છે. ડિબેટનો ઇસ્યુ નથી, માટે કોઈ કોમેન્ટ્સમાં આ વિષય બાબતે મને રસ નથી. એની નોંધ લેવી. આ જાણ ખાતર શેર કર્યું છે. મારા અંતરાત્માના અવાજે તો મેં પેન્શનવાળી નોકરી ય છોડી દીધેલી. નાહક ચર્ચાબાજીમાં સમય ન વેડફવો ને ખોટી કડવાશ ઉભી ન કરવી અહીં પણ. જય સ્વામીનારાયણ સાથે જય વસાવડાના જય સિયારામ.

Back to top button