AhmedabadGujarat

ટ્રાફિકના નવા નિયમોનો પહેલો દિવસ: અમદાવાદના રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા, લોકોમાં ડરનો માહોલ?

રાજ્યમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરુ થઈ ગયો છે.લોકોમાં તો ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે સરકાર રસ્તા સરખા રાખતી નથી પણ દંડ લેવા અગ્રેસર હોય છે. એવામાં આજે નવા નિયમોના અમલના પહેલા જ દિવસે અમદાવાદમાં તો ચોંકાવનારો માહોલ જોવા મળ્યો. સોમવારે પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે પરંતુ આજે તો અમદાવાદના રસ્તા ખાલીખમ જોવા મળ્યા હતા.

ટ્રાફિક સિગ્નલ પર પોલીસકર્મીઓની સંખ્યા પણ નહીંવત્  છે. અમદાવાદીઓએ મોડી રાત સુધી પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડ કરી હતી. જે  રીતનો ડર પેદા થયો હતો એવું કઈ સિગ્નલ પર જોવા મળી રહ્યું નથી. ટ્રાફિકના નવા નિયમોમાં દંડની રકમમાં ગુજરાત સરકારે ઘણી રાહત આપી છે. લોકો દલીલ કરી રહ્યા છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવો તે બરાબર પરંતુ સારા રસ્તા આપવાની જવાબદારી કોની? લોકોએ જાહેરમાં પોસ્ટરો લગાવી કોર્પોરેશનના નામે મેમો ફાડવાના પણ શરુ કરી દીધા છે.

અમદાવાદમાં પીયુસી કઢાવવા માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકો કલાકો સુધી પીયુસી માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા અને રવિવારની રજાનો આખો દિવસ અમદાવાદીઓ માટે વાહનોના ડોક્યુમેન્ટ શોધવામાં, પીયુસી કઢાવવામાં જ પસાર થયો હતો.પબ્લિક ગમે તેટલો ગુસ્સો કરે તો પણ પોલીસકર્મીઓને શાંતિથી કામ લેવા માટે જણાવવામાં આવ્યું છે તેમજ કોઈપણ કેસ કરતા પહેલા વિડીયો લેવાની પણ તાકીદ કરવામાં આવી છે.

ટ્રાફિકના નવા દંડ સામાન્ય નાગરિકોને તો લાગુ પડશે જ પણ જો કોઈ પોલીસકર્મી કે આરટીઓના કર્મચારી નિયમનો ભંગ કરશે તો તેને ડબલ દંડ ભરવો પડશે.જાહેરનામામાં એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે આરટીઓ અને પોલીસકર્મીને ડબલ દંડ ફટકારવાની વાત કહેવાઈ છે.

Back to top button