GujaratStorySurat

સુરત: આગમાં ભડથું થયેલ પરિવાર વચ્ચે 45 દિવસની હેની એકલી બચી હતી,આ ભાઈએ તેની સારવારમાં પુષ્કળ ખર્ચ કર્યો…વાંચો હૃદય કંપાવનારી ઘટના વિશે

આઠ મહિના પહેલાં સુરતના મોટા વરાછા નજીક ગેસ લિકેજમાં ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી હેની સહિત કોલડીયા પરિવારના 6 સભ્યો દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી જવાથી 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45 દિવસની હેનીએ મોટા ભાઇ, નાની અને માતા-પિતાને ગુમાવી દીધા હતા.

હેનીના જીવનમાં તો અંધકાર છવાઇ ગયો હતો. હેનીનો ચહેરો આગમાં એટલી હદે બળી ગયો હતો કે તે જીવશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું. તેની સારવાર પણ ખર્ચાળ પુરવાર થશે તેવી વાત ડોક્ટરોએ કરી હતી.

જો કે એક પરિવારે તેને દત્તક લીધી અને આઠ મહિના બાદ હેની ફરી એક વખત હસતી જોવા મળી રહી છે. હેનીના પાલક માતા-પિતાને તેણીએ 10 વર્ષની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પૂર્ણ કરી દેતા તે દંપતી માટે જિંદગી જીવવાનું કારણ બની ગઇ છે. જો કે પાલક પિતાએ જાહેરમાં ક્યાંય જાહેરાતો કરી નહોતી પણ સારવારમાં તેમણે પોતાનું બધું જ વેચી નાખતા તેમની આ દયાની ભાવના છુપી રહી શકી નહીં.

જાણીતા વક્તા અને પાટીદાર આંદોલનમાં સક્રિય હતા એવા ગોપાલભાઈ ઈટાલીયાએ તેમના ઘરે મુલાકાત લીધી તો ખબર પડી કે પાલક પિતાએ  એક માસુમ દીકરીને બચાવવા શું શું કર્યું છે. ગોપાલભાઈએ મુલાકાત બાદ પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે,

દોસ્તો,જાન્યુઆરી – 2019માં સુરતમાં વેલંજા વિસ્તારમાં રાંધણગેસનો બાટલો ફાટતા ઘરના સભ્યોમાં મમ્મી, પપ્પા, મોટો ભાઈ સહિતના આખા પરિવારનું મરણ થયેલ. ફક્ત આ નાનકડી વહાલી રૂપાળી 45 દિવસની દીકરી હેની એક જ બચી ગયેલ.ગેસનો બાટલો ફાટ્યો ત્યારે હેની ફક્ત 45 દિવસની હતી અને ઘટના સમયે હેનીના પપ્પા દાઝેલી હાલતમાં હેનીની ઉપર ઊંધા સુઈ જતા હેની એકમાત્ર બચી ગયેલ.

ઘટના બની એ સમયે અમુક દવાખાના, અમુક ડોકટર, અમુક સગાવ્હાલાઓ, બધા જ લોકોને કોઈ પડી ન હતી અથવા તો પૈસા પૈસા કરતા હતા એવા સમયમાં હેનીના પરિવારના દુરના કોઈ સગપણમાં નિઃસંતાન એવા શ્રી નિલેશભાઈ લીંબાસીયા આગળ આવ્યા અને દીકરી માટે જે કરવું પડે એ કરવાના સંકલ્પ સાથે દવાખાને દવાખાને ફેરવી, ખુબ દવા કરાવી, ખર્ચો કરાવી આજે આઠ મહિના પછી આટલી સુંદર, રૂપાળી, હસમુખી, વ્હાલી, પરી જેવી દીકરી હેનીને ઉછેરી રહ્યા છે.

45 દિવસની ઉંમરની દાઝી ગયેલી હેનીને લઈને જ્યારે શ્રી નિલેશભાઈ દવાખાને ગયા તો ડોકટર પણ આ છોકરી જીવશે નહિ એમ માનતા હતા છતાંય નિલેશભાઈએ દીકરીને બચાવવા જે કરવું પડે એ કરવા માટે કહ્યું..મોતના મોઢામાં રહેલી દીકરીને જીવન આપવા માટે શ્રી નિલેશભાઈએ પોતાના ઘરેણાં વેચી નાખ્યા, વ્યાજે પૈસા લીધા, પોતે ફોટો સ્ટુડિયોનું કામ કરતા કરતા એમાં સારી કમાણી હતી પરંતુ દીકરીના દોડધામમાં ધંધો બંધ થઈ ગયો, ત્યાં સુધી કે નિલેશભાઈએ ઘરવખરી પણ અમુક વેચી નાખી પરંતુ આજેય હિંમત નથી હાર્યા..

ફોટો સ્ટુડિયોનો ધંધો તો બંધ થઈ ગયો, સ્ટુડિયોના નાના-મોટા કેમેરા વેચીને પણ એમણે હેની ની સારવાર કરાવી.. આ દરમ્યાનમાં સ્ટુડિયો બંધ રહેતા ઘણા મહિનાનું સ્ટુડિયોના મકાનનું ભાડું ચડી ગયેલ પરંતુ મકાન માલિકને આખી ઘટના ખબર પડતાં નિલેશભાઈનુ બધું જ ભાડું માફ કર્યું અને જ્યાં સુધી પહેલા જેવી કમાણીવાળો ધંધો ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ ભાડું નહિ લેવાની ખાતરી આપી.

હાલમાં શ્રી નિલેશભાઈએ દીકરીની સારવાર માટે સુરતનું પોતાનું મકાન તેમજ ગામડે પાંચ વિઘા જમીન વેચવા કાઢી છે પરંતુ મન મક્કમ કર્યું છે કે આ દીકરીને જીવાડવી છે અને સમાજને એક શ્રેષ્ઠ દાખલો આપવો છે.

શ્રી નિલેશભાઈ ઉપર અત્યારે વ્યાજે પૈસા પણ ઘણા લીધેલ છે અને દીકરીનો રોજનો દવાનો ખર્ચો પણ ઘણો થાય છે. આજે હું રૂબરૂ મળ્યો ત્યારે નિલેશભાઈની આંખોમાં દીકરી માટે પ્રેમ અને દિલમાં સગા બાપ જેટલી હિંમત ભરીને મજબૂત અવાજથી વાત કરતા હતા. સહેજ પણ હિંમત હાર્યા નથી અને સહેજ પણ ઢીલી વાત નથી કરતા…..એમનું એટલું જ કહેવાનું હતું કે મારી દીકરીનું હું બધું જ કરી લઈશ પણ તાત્કાલિક સારવાર માટે જે પૈસા વ્યાજે લીધા છે એનું થઈ જાય તો બીજું હું જાતે કમાઈ ને કરી લઈશ.

દિકરી ઉછેરના આ આઠ મહિનાના સમયમાં નિલેશભાઈએ ઘણા મહેણાં-ટોણા પણ સહન કર્યા છે. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે આવી બળેલા મોઢા વાળી છોકરીના બદલે આપણે અનાથઆશ્રમમાંથી રૂપાળી દીકરી દત્તક લઈ લઈએ પરંતુ નિલેશભાઈએ મન મજબુત કર્યું છે કે હવે હેનીને માટે જે કરવું પડે એ કરશે બાકી પાછું પડવાનું નથી.

દોસ્તો,વ્હાલી હેની ને ઘરમાં રમતી જોવો ત્યાં જ આપણા મનમાં ખુશી છલકાઈ જાય..માનસિક થાક ઉતરી જાય એટલી રૂપાળી અને નખરાળી દીકરીના આજે દર્શન કર્યા અને મારા અંગત મિત્રો પાસેથી જરૂરી આર્થિક સહાય માટે ખાતરી આપી..

ખાસ તો હાલમાં નિલેશભાઈને આર્થિક મદદની અને દાઝી ગયેલી દીકરી માટે AC ની ખાસ જરૂર છે..જો તમે નિલેશભાઈને હિંમત અને આર્થિક સહકાર આપવા માંગતા હોય તો એમના ઘરે રૂબરૂ જઈને ખાલી એકવાર દીકરીના માથે હાથ ફેરવીને નિલેશભાઈને પાંચ પૈસા આપતા આવજો….દુનિયાની તમામ ખુશી અને સ્વર્ગ પણ ત્યાં ઝાંખા પડે એટલી મજા આવશે..

(નિલેશભાઈને રૂબરૂ મળશો તો એને હિંમત વધશે અને દીકરીને પણ રમાડવા મળશે એટલે મોબાઈલ નંબર કે બેન્ક ખાતા નંબર મુકતો નથી) શ્રી નિલેશભાઈ લીંબાસીયા, ફ્લેટ નંબર – 402, મારુતી કોમ્પ્લેક્સ,અંકુર સોસાયટી વિભાગ – ૧ ની વાડીની બાજુમાં,અંકુર ચોકડી, એ.કે રોડ, વરાછા – સુરત

ગોપાલભાઈની આ ફેસબુક પોસ્ટ એટલી વાઇરલ થઈ ગઈ કે ગણતરીના કલાકોમાં જ હેની માટે કોઈ દાતાએ નિલેષભાઈના ઘરે એસીની વ્યવસ્થા કરી આપી. અનેક લોકોએ આર્થિક મદદ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. નિલેષભાઈ અને ખાસ હેની ને આપ મદદ કરવા ઇચ્છતા હોય તો આ પોસ્ટ વધુ લોકો સુધી પહોંચાડો જેથી જો 100 લોકો પણ મદદ કરશે તો હેની ના જીવનમાં ઘણો ફર્ક પડશે અને તેની જિંદગી બચાવનાર નિલેષભાઈને પણ મદદ મળશે.

Back to top button