India

મુંબઈ : “આરે કોલોની જંગલ”માં 800થી વધુ ઝાડ કપાયા, લોકોના વિરોધ વચ્ચે કલમ 144 લાગુ

બોમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીને જંગલ જાહેર કરતી તમામ અરજીઓને ફગાવી દીધી છે. હાઇકોર્ટના નિર્ણય બાદ શુક્રવારે રાત્રે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનું કામ શરૂ થયું હતું. તેનો વિરોધ કરવા માટે ઘણા વિરોધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મેટ્રો રેલ સાઈટ પર સૂત્રોચ્ચાર કર્યા તે દરમિયાન પોલીસે આરે કોલોની જતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાવી દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 800 થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા છે. ઝાડ કાપવા માટે વધુ મશીનો સ્થળ ઉપર મંગાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે. વિસ્તારના 3 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ જવાની મંજૂરી નથી. શુક્રવારે રાત્રે 100 થી વધુ લોકોને પોલીસે અટકાયતમાં પણ લીધા હતા. મીડિયાને અંદર જવાની મંજૂરી નથી.

તમામ હંગામ વચ્ચે શનિવારે આરેમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વિસ્તારમાં લોકોને એકત્રીત થવાની છૂટ નથી. મુંબઇ પોલીસે પણ આ કેસમાં એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ 353 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વૃક્ષો કાપવામાં આવ્યા ત્યારે અનેક હસ્તીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર પણ ઇશારાઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે જો આ રીતે જંગલો કાપવામાં આવી રહ્યા છે તો પ્લાસ્ટિકના પ્રદૂષણ પર બોલવાનો કોઈ ફાયદો નથી.

લોકો આરેમાં 2600 થી વધુ વૃક્ષો કાપીને મેટ્રો શેડ બનાવવાના વિરોધમાં છે. એમએમઆરસીએલનું કહેવું છે કે તેમને ઝાડ કાપવાની મંજૂરી છે. વિરોધકારોનું કહેવું છે કે જ્યારે મહાનગર પાલિકાની વેબસાઇટ પર મંજૂરી અપલોડ થઈ છે ત્યારે 15 દિવસ વીતી ગયા છે ત્યારે જ એમએમઆરસીએલ આ વૃક્ષને કાપી શકે છે.

Back to top button