Gujarat

સરકાર ઝૂકતાં લોકો માટે રાહતના સમાચાર: હજુ આ તારીખ સુધી નવા નિયમ મુજબનો દંડ નહીં ભરવો પડે

ગત મહિને દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ  કરવામાં આવ્યા છે અને તે મુજબ મોટા દંડ વસુલવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળયો હતો. ગુજરાત સરકારે 15 ઓક્ટોબર સુધી લોકોને રાહત આપવાનું નક્કી કર્યું હતું પણ સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો જોતા સરકારે પીયુસી, હેલ્મેટ અને HSRPમાં ફરી એકવાર રાહત આપી છે.

તહેવારો નિમિતે લોકો મોટી સંખ્યામાં વાહનો લઈને સંબંધીઓને ત્યાં જતાં હોય છે તેવામાં નવા નિયમો અનુસાર પોલીસ દંડ વસૂલવાનું શરુ કરે તો લોકોની નારાજગી વધશે તે નક્કી હતું. સાથે જ ગુજરાતમાં છ વિધાનસભા બેઠકો પર ચૂંટણી થવાની છે ત્યારે સરકાર લોકોના રોષનો ભોગ બનવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે વાહનોમાં HSRP નખાવવાની મુદ્દતને બે વર્ષથી લંબાવી રહી છે છતાંય હજુ લાખો વાહનોમાં જુની નંબર પ્લેટ લાગેલી છે. પીયુસી કઢાવવાની તસ્દી પણ નહોતું લેતું. નવા નિયમોમાં પીયુસી ન હોય તો 1,000 રુપિયા દંડ નો નિયમ આવતા જ હવે પીયુસી માટે લાંબી લાઈનો લાગી ગઈ છે.

હેલ્મેટ ન પહેરવા પર હવે  500 રુપિયાનો દંડ લાગે છે. લોકોએ હેલ્મેટ ખરીદવા પણ પડાપડી કરી મૂકી હતી.  હેલ્મેટના કાળાબજાર થઈ રહ્યા હોવાની પણ લોકોની ફરિયાદો હતી. જો કે હવે લોકોને રાહત આપવા સરકારે નક્કી કર્યું છે કે 31 ઓક્ટોબર સુધી નવા નિયમો લાગુ કરવામાં આવશે નહીં.

Back to top button