AhmedabadCorona Virus

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓને વધુ એક ફટકો,સાથે સાથે સુરતીઓ પણ તૈયારી રાખજો નહિતો…

એક બાજુ રાજયમાં અમદાવાદ શહેર કોરોના વાયરસથી સૌથી વધારે પીડિત છે અમદાવાદમા રોજના કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે તો એવામાં જ અમદાવાદીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અત્યાર સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરો તો તમને ઈ-મેમો ઘરે પોસ્ટથી મળતો હતો. પરંતુ હવે તમને જણાવી દઈએ કે વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેર્યું હોય તો પણ ઇ-મેમો ઘરે આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારથી માસ્ક નહીં પહેરનારા લોકોને ઈ-મેમો મોકલવાનું શરૂ કર્યું છે.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 225 વાહનચાલકોને તેમના વાહનોના રજિસ્ટ્રેશન નંબરના આધારે માસ્ક ના પહેરવા બદલ ઘરે ઈ-મેમો મોકલ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સોલિડ વેસ્ટ ઈનચાર્જ) મુકેશ ગઢવીએ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા 225 લોકોને ઈ-મેમો મોકલાયા છે. હાલ AMC માત્ર વાહન ચલાવતા વ્યક્તિને મેમો મોકલી રહી છે.

અહી ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વિવિધ ટ્રાફિક પોઇન્ટ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા વિવિધ કેમેરાની મદદથી જાહેર માર્ગો પર માસ્ક કે ફેસ કવર કર્યા વગર નીકળતા નાગરિકોની ઓળખ કરીને તેમને રૂ.200નું ઇ-ચલણ ઇશ્યૂ કરીને તેમના જોડેથી દંડ વસૂલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે આ માટે નાગરિકોના વાહનની નંબર પ્લેટ પરથી જે ટ્રાફિક ઇ-મેમો ઇશ્યુ કરાય છે તેવી જ રીતે માસ્ક ન પહેરનાર વ્યક્તિના ઘરે પણ ઇ-મેમો મોકલવામાં આવે છે.

કોરોનાનો સામનો કરવા માટે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જ જરૂરી છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સતત કોરોના વાયરસને પગલે આ મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નહોતા.આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના કેમેરામાં ઝડપાયા હતા.અહી ઉલ્લેખનીય છે કે AMC દ્વારા 3 દિવસમાં 2495 કેસ કરી કુલ 4.99 લાખનો દંડ આવા લોકો જોડેથી વસુલ કર્યો છે.

તો બીજી બાજુ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં પણ જાહેર સ્થળોએ અને વાહન ચલાવતી વખતે જો માસ્ક પહેર્યું નહીં હોય તો તમારા ઘરે ઇ-મેમો આવશે જેવું તંત્રએ કોરોના વાયરસને પગલે નક્કી કર્યું છે. અહી ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારા સામે આમ તો પાલિકાની ટીમ સ્થળ પર જ 200 રૂપિયા દંડ ફટકારી દે છે. પરંતુ હવે આગામી દિવસમાં ઇ-મેમો થકી દંડ ફટકારવાની વિચારણા ચાલી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે હાલમાં પાલિકા જાહેરમાં થૂંકનારા ઇસમોને ઇ-મેમો તો આપી જ રહી છે.