BjpIndiaPolitics

ભાજપના નેતાઓએ ચીન ના રાષ્ટ્રપતિ ના બદલે કિમ જોંગ નું પૂતળું સળગાવ્યું

LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. સોમવારે રાત્રે ગેલવાન ખીણ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનાને કારણે આખો દેશ ક્રોધથી ઉકળી રહ્યો છે. ચીન સામે દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. એવામાં બંગાળના આસનસોલમાં આવા વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ મોટી ભૂલ કરી હતી.

ભાજપના કાર્યકરોએ ચીનનો વિરોધ કરવા માટે પુતળા સળગાવ્યા. આ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની જગ્યાએ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનનું પૂતળું સળગાવ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ભાજપના નેતાઓને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં બંગાળના ભાજપના કાર્યકરો પુતળા સાથે ઉભા છે અને કહેતા જોવા મળે છે કે, અમે ચીનનો વિરોધ કરી રહ્યા છીએ. અમે ચીનના વડા પ્રધાન એવા કિમ જોંગ ઉનનું પુતળું દહન કરીશું. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે ચીન ઉત્પાદનોનો ઉપયોગ ન કરો. સ્વદેશી વસ્તુઓ અપનાવો. આ વીડિયો સામે આવ્યા પછી લોકો તેની મજા લઇ રહ્યા છે. વિવિધ પ્રતિક્રિયાઓ બહાર આવી રહી છે. કિમ જોંગ પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.