BjpGujaratNewsPoliticsSouth GujaratSurat

ભાજપ અધ્યક્ષ ને શુભેચ્છા આપતા બેનરમાં “સમસ્ત પાટીદાર સમાજ” નો ઉલ્લેખ કરાતા પાટીદાર યુવાનોમાં રોષ

ગુજરાત ભાજપે તાજેતરમાં જ જીતુભાઇ વાઘાણી ને પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવ્યા હતા અને સીઆર પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ આપ્યું છે. આ નિમણુંક બાદ પાટીદાર સમાજમાં પણ રોષ હતો ત્યાં સુરતમાં એક બેનર દ્વારા વિવાદ વધુ વકર્યો છે. સુરતમાં એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે જેમાં નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટીલને અભિનંદન આપવામાં આવ્યા છે. આ બેનર “સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ” દ્વારા બનાવાયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે પાટીદાર યુવાનોમાં રોષ છે કે આ રીતે કોઈ પાર્ટીના અધ્યક્ષ ને આખા સમાજ ના નામે શુભેચ્છાઓ ન આપવી જોઈએ. સુરતના એક પાટીદાર યુવાન દ્વારા લખાયેલ એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પત્રમાં લખાયું છે કે,

આદરણીય પ્રમુખ શ્રી,મારું નામ પંકજ ધામેલીયા છે અને હું પાટીદાર સમાજનો એક યુવાન છું. આજે એક પાર્ટીના અધ્યક્ષને શુભેચ્છા આપવા માટે લાગેલા એક મોટા હોર્ડિંગમાં મેં એક શબ્દ વાંચ્યો ‘સમસ્ત પાટીદાર સમાજ’આ સમસ્ત એટલે શું ? શું આખા સમાજે એમને શુભેચ્છાઓ આપી છે ? અમારી બહેનોને વિધવા કરનારા અને અમારી માતાઓના ખોળા ખાલી કરનારા નેતાઓને સમસ્ત સમાજ વતી શુભેચ્છા આપવાનો અધિકાર આપશ્રીને કોણે આપ્યો ?

શું તમે અન્ય પાર્ટીના નેતાઓ અધ્યક્ષ બને છે ત્યારે આવી શુભેચ્છાઓ આપો છો ? તો એક જ પાર્ટી માટે આટલો પ્રેમ કેમ ? સમાજના નામનો ઉપયોગ કોઈ પક્ષની ભક્તિ કરવા માટે કરવાનો અધિકાર તમને કોણે આપ્યો ? શું મારો પાટીદાર સમાજ એ કોઈ એક પક્ષની જાગીર છે ?

તમારે અંગત શુભેચ્છાઓ આપવી હોય તો આપ સ્વતંત્ર છો અને એ આપનો અધિકાર છે પણ સમાજના નામનો આવો દુરુપયોગ થશે તો અમારા જેવા યુવાનોથી ચૂપ નહીં રહેવાય.કોરોનાની મહામારીમાં સમાજના અનેક લોકોના ઘરમાં ખાવાના ફાંફા છે ત્યારે લાખો રૂપિયા આવા હોર્ડિંગો વેડફી દેવાના ? આ પૈસા સમાજના ગરીબોની આંતરડી ઠારવા માટે વાપરશો તો એ ગરીબો ક્યારેક કામ આવશે. આ નેતાઓ તો દંડા ચલાવવા સિવાય બીજા કોઈ કામમાં નહીં આવે.

અમે આપને બહુ આદર સાથે વિનંતી કરીએ છીએ કે આ હોર્ડિંગોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે અને જો હટાવવામાં આપશ્રીને ડર લાગતો હોય તો એ હોર્ડિંગમાં એવું સ્પષ્ટ લખવામાં આવે કે ‘આ શુભેચ્છામાં પાટીદાર સમાજના યુવાન એવા પંકજ ધામેલીયાની શુભેચ્છાનો સમાવેશ કરવામાં આવેલ નથી’ અને જે જે યુવાનો આવી માંગણી કરે એ તમામના નામ પણ લખવામાં આવે.

જો આ હોર્ડિંગ આપશ્રીની અનુમતિ વગર લગાવવામાં આવ્યા છે તો સમાજ સમક્ષ આવીને ખુલાસો કરો તેમજ સમાજના નામનો આવો દુરુપયોગ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લો. લી.પંકજ ધામેલીયા એક આક્રોશિત પાટીદાર યુવાન

Back to top button