GujaratNewsSaurashtra

કોરોના પોઝિટિવ દર્દીના આંતરડા ફાટી જવાથી મધરાતે સર ટી હોસ્પિટલમાં થયું દિલધડક ઓપરેશન, ડોકટર સ્મિત મહેતાએ જણાવ્યો અનુભવ

ભાવનગર: હાલ દેશ-દુનિયામાં કોરોના નો કહેર છે ત્યારે છેલ્લા 6 મહિનાથી ડૉકટરો રાત-દિવસ જોયા વગર પોતાના જીવન જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દી દ્વારા અન્ય લોકોને પણ ચેપ લાગી શકે છે માટે ડૉકટરો હંમેશા PPE કીટ અને ફેસ માસ્ક સહિતની વસ્તુઓ દ્વારા પોતાનું રક્ષણ કરતા હોય છે. પણ જો કોરોના પોઝિટિવ દર્દીનું જ ઓપરેશન કરવાનું થાય તો? ગત રાતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું દિલધડક ઓપરેશન કરાયું હતું.

૬૦ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી કે જેમના ફેફસામાં 50% સુધી અસર થઇ ગઈ હતી. ઉંમરના હિસાબે કોરોના નું જોખમ તો વધારે હતું જ પણ સાથે તેમને પેટમાં અસહ્ય દુખાવો થયો અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા રિપોર્ટ કરાવતા આંતરડામા કાણું પડી ગયુ હોવાનું સામે આવ્યું.બાદમાં તેમને ઓપરેશન માટે સર ટી હોસ્પિટલમા મોકલવામાં આવે છે.

સર ટી હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉ.સ્મિત મહેતા, ડૉ.ધવલ પંચાલ, ડૉ.જિજ્ઞેશ જોશી અને ડો.સૌંદર્યા દ્વારા મધરાતે આ દર્દીનું ઓપરેશન કરાયું હતું. ડૉ.સ્મિત મહેતાએ પોતાના ફેસબુક પેજ પર આ દિલધડક ઓપરેશનનો અનુભવ શેર કર્યો છે. તેઓ કહે છે કે, ઘણા નિર્ણય એવા કપરા હોય છે જેમ કે દર્દીની સ્થિતિ,તેની કંડિશન,બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ, ઓક્સિજન લેવલ બધી જ વસ્તુઓ તપાસીને ઓપરેશન નો નિર્ણય લેવાતો હોય છે.

ડૉ.સ્મિત મહેતા કહે છે કે, દર્દી આંતરડા ફાટી જવાથી સેપ્ટિક શોકમાં હતુ અને પેટમા અસહ્ય દુખાવો હતો. તેનું બ્લડ પ્રેશર પણ ઓછું હતું.માસ્કથી ઓક્સિજન આપવામાં આવતું હતું. દર્દી કોરોના પોઝિટિવ હતું અને આંતરડામાં કાણા પડી ગયા હતા એટલે ઓપરેશન જ ઇલાજ હતો પરંતુ તે ખૂબ જટિલ હતું.

Dr.smit mehta

દર્દી કોરોના પોઝિટિવ હોવાથી ઓપરેશન દરમિયાન પણ જીવને જોખમ રહે તેથી અમે દર્દીના દીકરા અને દર્દીના ભાઈ ને સમગ્ર કેસ અંગે જણાવ્યું કે ઓપરેશન ન કરવામાં પણ કોરોના અને શોક નુ જોખમ છે અને અસહ્ય પીડા પણ છે. આવી નાજુક પરિસ્થિતિમાં ઓપરેશન દરમિયાન દર્દીનો જીવ જાય તેવી છે. આ સાંભળીને દર્દીના પરિવારજનો પણ નિર્ણય લઈ શકે તેવી હાલતમાં હતા નહીં. પરિવારજનોએ ડૉ.સ્મિત મહેતા ને જ પૂછ્યું કે આ સ્થિતિમાં શું કરવું જોઈએ?

ડૉ.સ્મિત મહેતા એ કહ્યું કે, હાલમાં જે તકલીફ છે તેમાં અસહ્ય પીડા છે અને સાથે કોરોના પણ છે એટલે જો ઓપરેશન નહી કરીએ તો આ અસહ્ય પીડા વધતી જશે, પેટમાં ચેપ વધતો જશે. બીપી ઘટતુ જશે અને કોરોના પણ વકરતો જશે તો જીવનું જોખમ રહેલું છે.જો ઓપરેશન કરવામાં આવે તો કદાચ બચવાની શક્યતા રહેલી છે.

બાદમાં દર્દીના સગા ની મંજૂરી મળતા જ મોડી રાત્રે ૧ વાગ્યે દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવે છે. ત્યાં દર્દીને બીપી વધારવાની દવા સહીત અન્ય જરૂરી સારવાર આપવામાં આવે છે. ડૉ.મહેતા અને તેમની ટિમ દ્વારા PPE કીટમાં સજ્જ થઈને ઓપરેશન શરૂ કરવામાં આવે છે. પરંતુ પેટ ખોલતા જ તેમાથી ફીકલ મટીરિયલ આવવા લાગ્યુ હતું એટલે કે દર્દી ની હાલત ખુબ જ ખરાબ હતી.

આંતરડા તપાસતા માલુમ પડ્યું કે આંતરડા ની શરૂઆતના ભાગમાં જ બે મોટા કાણાં છે. ડૉ.મહેતાના ના મતે જો આ ઓપરેશન આખું કરવામાં આવે તો સમય ખુબ જ લાગે, જો ફક્ત બગાડ કાઢીને ઓપરેશન કરવામાં આવે તો સમય ઓછો લાગે. પણ આખું ઓપરેશન કરવાનું જ વિચાર્યું અને આખો આંતરડાનો ખરાબ ભાગ કાઢીને આંતરડા જોડવામાં આવ્યા. ઓપરેશન પૂરું થયું અને હાલ દર્દી કોરોના વોર્ડ ના આઇસીયુમાં વેન્ટિલેટર પર છે.

ડૉ.મહેતાએ દર્દીના સગા ને ઓપરેશન ની પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે ઓપરેશન સફળ થયું છે પણ ખુબ ચેપ ના કારણે અને સાથે કોરોના ના કારણે દર્દીની હાલત ખુબ નાજુક છે.

Back to top button