Corona VirusGujaratRajkotSaurashtra

આજકાલ ICUમાં મોત રાઉન્ડ લેવા આવે છે અને એક-બે ને સાથે લઈને જ જાય છે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. નીરજ દેસાઈ એ જણાવ્યો દુઃખદ અનુભવ

રાજકોટ: રાજ્યમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ડોકટરો સતત ૭ મહિનાથી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.કોરોના જેવા અતિ ચેપી રોગની સારવાર કરતા ડોકટરોને પણ ચેપ લાગવાનું જોખમ રહેતું હોય છે પણ ડોકટરો દિવસ રાત પીપીઈ કીટ પહેરીને દર્દીની સારવાર કરે છે અને પરિવારના સભ્યની જેમ દેખભાળ પણ રાખે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. નીરજ દેસાઈ એ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

બેડ નંબર ૮ ની વાત કરતા ઓર્થોપેડિક સર્જન નીરજ દેસાઈ કહે છે કે, 7 મહિના ના પેન્ડેમિક પછી ફાઈનલી કોરોના ડયુટી આવી અને એ સવારે કોરોનાની ડયુટી નો પહેલો જ દિવસ હતો. હું PPE કીટ પહેર્યા પછી થતી અકળામણ ને સાથે લઈને આઇસીયુ વોર્ડ ના રાઉન્ડ પર નીકળ્યો હતો.ઓર્થોપેડીક સર્જન હોવાથી મારું કામ પેશન્ટ મેનેજમેન્ટનું ઓછું અને ફ્લોર મેનેજમેન્ટનું વધારે હતું. દર્દી ની દેખરેખ માટે અલગ ડોક્ટરો ની ટીમ હતી. છતાં કોરોના ના દર્દીઓની મુશ્કેલી સમાચારોમાં જ જોઈ હતી એટલે હું ખુદ ICU વોર્ડમાં રાઉન્ડ માટે ગયો.

તમે ભલે ડોકટરો ને ગાળો આપતા હોય કે કોઈ આઇસીયુ મા ભાવ પણ નથી પૂછતું…પણ એક ડોક્ટર હોવાના કારણે મને દર્દી ની સામે રાખો એટલે કોરોના ભલે મારો વિષય નથી પણ છતાં મારા મોઢા માંથી “કેમ છો કાકા?” એટલું તો બોલાઈ જ જાય. બસ એમ જ બધા ને પૂછતો પૂછતો આગળ જતો હતો અને બેડ નંબર 8 પર પહોંચ્યો. બેડ પર પચાસેક વરસ ના એક કાકા, BiPap ના માસ્ક સાથે બેઠેલા હતા અને હું પૂછું એ પહેલાં જ હસતા ચહેરે બોલ્યા કે કેમ છો સાહેબ? તમે નાસ્તો કર્યો કે નહિ?? મને નવાઈ લાગી. થોડું સારું લાગ્યું અને વાત કરી ને હું આગળ વધ્યો.

પછી એ અમારું રૂટિન થઈ ગયું ને રોજ કેમ છો, કેમ નહિ પૂરતી વાત થતી હતી. સમયસર જમવાનું આવે ત્યારે જમી લે અને સુવાના ટાઈમ પર તેઓ સૂઈ જાય.બીજા અમુક દર્દીની ની જેમ કોઈ જ રંજાળ નહિ. અમુક અમુક તો હોસ્પિટલમાં નહિ પણ હોટેલ મા ફરવા આવ્યા હોય એવું વર્તન કરતા હોય છે. પીપીઈ કીટ, માસ્ક, ફેસ કવર ના લીધે ક્યારેક અમે પણ એક બીજા ને ઓળખવામાં ભૂલ કરી જઈએ છીએ પણ તેમણે મને ઓળખવામાં ભૂલ ક્યારેય ન કરી.

ડૉ.નીરજ દેસાઈ કહે છે કે, કાલે રાતની ડયુટીમાં ગયો અને રાઉન્ડ ચાલુ કર્યો. એ જ 8 નંબર ના બેડ પર જોયું તો વેન્ટિલેટર પર એક બહેન બેહોશી ની હાલતમાં હતા. મે બહાર આવી ને જોયું કે હું બીજી સાઈડના આઇસીયુ મા તો નથી આવ્યો ને..! બાકી ના બધા દર્દી બરાબર અને એ 8 નંબર વાળા કાકા જ નહિ. તરત બહાર આવી ને રેસીડેન્ટ ડોકટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે, કે હા સર વો લેડી આજ હી આયી હૈ. ઉસ્કે પેહલે વાલે શામ કો એક્સપાયર હો ગયા.

આ જાણીને હું ચિંકી ગયો: ડૉ.નીરજ દેસાઈ, મારો આમ જોઈએ તો કાંઈ જ સીધો સંબંધ હતો નહી.આઇસીયુ માં કુલ 47 બેડ છે તો મને બધા ના નામ પણ યાદ નથી હોતા. આ કાકાનું નામ પણ યાદ નહોતું તો પણ તેમના જવા થી કઈક સારું ગુમાવ્યું હોય એવું ફીલ થયું. 4 દિવસ મા એક સ્માઈલથી બનેલા સંબંધે જો મને આટલું દુખ થયું હોય તો વિચારો એમના પરિવારજનો પર શું વીતતી હશે. એમની પત્ની પર શું વીતી હશે જેની સાથે આટલા વર્ષો કાઢ્યા હશે, એના છોકરાઓ પર શું વીતી હશે જે એમનો હાથ પકડી ને ચાલતા શીખ્યા હશે.!

દુઃખ થાય છે જ્યારે આવા પરિવારો ને વિખેરાઈ જતા જોઉં છું.અને ગુસ્સો યે આવે છે જ્યારે સમાજ ના કહેવાતા શિક્ષિત માણસો ને હોસ્પિટલ થી પાછા આવતી વખતે રેસ કોર્સ ના રોડ પર માસ્ક વગર જોગિંગ કરતા ને ટોળે વળી ને જલસા કરતા જોઉં છું. ક્યારેક એમ પણ થાય છે કે આ લોકો ખરેખર કોરોના ને જ લાયક છે. આખા ઘર નું જોખમ સાથે લઈ ને હોસ્પિટલમાં ડોકટરો અને આખો સ્ટાફ આખી રાત ઉજાગરા કરે છે અને લોકો ટોળેવળીને જલસા કરે છે.

ડૉ.નીરજ દેસાઈ એ લોકોને અપીલ કરી છે કે કોરોના જેવું કઈ છે જ નહી એ માનવું ભૂલ ભર્યું છે. ઘર મા રહો.કામ વગર બહાર ના નીકળો.જરૂર પૂરતા જ બહાર નીકળો અને ત્યારે પણ માસ્ક પહેરો. કેમ કે, આજકાલ આઇસીયુ મા “મોત” રાઉન્ડ લેવા આવે છે અને એની સાથે એકાદ બે ને સાથે લઈ ને જ જાય છે.

Tags
Back to top button