GujaratStory

હંમેશા આપનાર વ્યક્તિ લાગણી અનુભવે છે, લેનાર નહીં : નિમિતા “યાશી”

હંમેશા આપનાર વ્યક્તિ લાગણી અનુભવે છે, લેનાર નહીં. તમે કોઈને ગીફ્ટ આપો છો, કોઈનું કશું કામ કરી દો છો, કે ક્યાંક કોઈને પ્રાથમિકતા આપો છો તો એ ક્રિયાથી તમારા મનમાં એના માટે લાગણી થશે.

‘આપણે કોઈને કશું આપીએ તો એને આપણાં માટે અહોભાવ થાય’ એ માન્યતાની વિરુધ્ધનું તથ્ય છે આ. હકીકતમાં આપનાર વ્યક્તિ જ એ સંબંધમાં વધુ ખેંચાય છે. વીજળીની શોધ જે વૈજ્ઞાનિકે કરી હતી એ બેંજામીન ફ્રેંકલીને જ સૌપ્રથમ આ મનોવૈજ્ઞાનિક અવલોકન નોંધ્યું હતું. એના નામ પરથી આને બેન ફ્રેંકલીન અસર કહેવાય છે.

તમે કોઈ વ્યક્તિ પાછળ સમય, પૈસા કે શક્તિ ખર્ચી રહ્યા છો, તો એનાથી તમને એના માટે વધુ ને વધુ લાગણી થયા કરશે. સામે પક્ષે એ વ્યક્તિ તમારા માટે ખાસ કશું નથી કરી રહી તો એને તમારા માટે ખાસ લાગણી નહીં હોય. આ ‘બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ’ના નિયમ જેવું છે. જે પાર્ટનરે ધંધામાં વધુ સમય/પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હશે એના માટે એ ધંધો વધુ મહત્વ ધરાવશે. ઓછું ઈન્વેસ્ટમેન્ટ કરનાર બિઝનેસ પાર્ટનરને ધંધો સંભાળવામાં ઓછો જ રસ હશે.

જે સંબંધમાં એક વ્યક્તિ બીજા માટે ઘણું બધું કરી રહી હોય, અને બીજી વ્યક્તિનું યોગદાન નહીંવત્ હશે તો એ સંબંધનું મહત્વ પણ વધારે યોગદાન આપનાર સાથીને મન વધુ હશે. નહીંવત્ યોગદાન આપનાર સાથી માટે એ સંબંધનું કોઇ મહત્વ નહીં હોય. જ્યારે પણ તમારા સંબંધમાં તમને એકતરફી લાગણી લાગે અથવા સામસામી લાગણી વચ્ચે મોટો ફરક લાગે ત્યારે અવશ્ય તમારા સાથી પાસે “ઈન્વેસ્ટમેન્ટ” કરાવવાની જરુર છે.

તમારે સંબંધથી એને થતા ફાયદા આપવાનું ઓછું કરીને તમને થતા ફાયદા લેવાનું વધારવું જોઈએ. “બેન ફ્રેંકલીન અસર” મુજબ એ તમારા માટે કશું કરશે તો જ એને તમારા પ્રત્યે લાગણી થશે.

લોકો કોઈએ પોતાના માટે શું કર્યું એનાં કરતાં એમણે કોઈના માટે શું કર્યું એ વધુ યાદ રાખતા હોય છે. એ કુદરતી છે. તો તમારે તમારા સાથીને યાદ રાખવા માટેની સામગ્રી આપવી જ જોઈએ. તમે કોઈની માટે એકતરફી લાગણી ધરાવતા હોવ, તો એને ગિફ્ટ, મદદ કે સહારો આપ્યા કરવાનો કોઈ મતલબ નથી. તમે એવા સંજોગો ઉભા કરશો કે એ તમને કશું આપે, એ તમને મદદ કરે કે એ તમારો સહારો બને ત્યારે જ એને તમારા માટે લાગણી થશે.

Back to top button