IndiaNews

મુકેશ અંબાણી ના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયોમાં વિસ્ફોટક જિલેટીન ની 20 સ્ટીક મળી, અંબાણી ની સુરક્ષામાં રહેલ કારની નંબર પ્લેટ જેવી જ પ્લેટ મળી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિરુદ્ધ એક મોટું કાવતરું થવાની ભીતિ સેવાઈ રહી છે. મુકેશના ઘર એન્ટિલિયાથી આશરે 200 મીટર દૂર એક શંકાસ્પદ એસયુવીથી ગુરુવારે સાંજે જિલેટીનની 20 સ્ટીક મળી આવી હતી.એસયુવીની અંદર કેટલીક નંબર પ્લેટો પણ મળી આવી છે. આમાંના કેટલાક નંબર મુકેશ અંબાણીની સુરક્ષામાં રહેલા વાહનોની નંબર પ્લેટો જેવા જ છે.

તપાસ દરમિયાન કારનો નંબર પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે ક્રાઇમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી છે.પોલીસ ના જણાવ્યા મુજબ એસયુવી બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે એન્ટિલિયામાં પાર્ક કરી હતી. અહીં એક ઇનોવા સહિત 2 ગાડીઓ જોવા મળી હતી. આ વાહનના ચાલકે એસયુવી અહીં પાર્ક કરી હતી. પોલીસ હવે તે ઇનોવા અને તેના ડ્રાઇવરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

સાંજે અંબાણીના ઘરે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ સ્થાનિક ગામાદેવી પોલીસ સ્ટેશનને એન્ટિલિયા નજીક ઉભેલી શંકાસ્પદ એસ.યુ.વી. બાતમી આપતા મુંબઇ પોલીસની ટીમ અંબાણી હાઉસ પાસે પહોંચી હતી. અહીં ગ્રે રંગની એસયુવી ઉભી હતી. પોલીસ અધિકારીઓએ તરત બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમને બોલાવી હતી.

ટીમે અહીં આવતા તમામ રસ્તાઓ બંધ કરી એસયુવીની તપાસ શરૂ કરી હતી. તપાસમાં વાહનની અંદર જિલેટીનની 20 સ્ટીક મળી આવી હતી. આ પછી એટીએસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આમાં કોઈ આતંકી કનેક્શન છે કે નહી તે તપાસી રહી છે.

તપાસ બાદ પોલીસે એસયુવીને સ્થળ પરથી હટાવી દીધી છે. વાહનના ચોક્કસ માલિકની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે વધુમાં કહ્યું કે, જિલેટીન સ્ટીક ની આટલી માત્રા પ્રાપ્ત કર્યા પછી, કોઈ મોટા કાવતરાને નકારી શકાય નહીં.મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે નજીકના સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તે જોઇ શકાય છે કે અંબાણીના ઘર એન્ટિલિયાની બાજુમાં રસ્તા પર ગ્રે કલરની સ્કોર્પિયો ઉભી છે અને બોમ્બ સ્ક્વોડની ટીમ તેની તપાસ કરી રહી છે.

Back to top button