આયેશા ના પિતાએ કહ્યું, કોઈ રૂમ ભરીને પૈસા આપે તોય પુત્રીના હત્યારા ને માફ નહી કરું
શનિવારે આયેશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પહેલા આયેશાએ હાસ્યનો ભાવનાત્મક વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આયેશાને ન્યાય અપાવવા સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલી રહ્યું છે. આ વિડીયો ને લઈને લોકો પણ દુઃખી થયા છે અને આયેશા ના પતિ સામે કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.
આયેશાના પિતા લિયાકત અલી એ આ અંગે કહ્યું કે ભલે દીકરીએ મને તેના પતિને માફ કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ આપ્યો હતો કે જો કોઈ મને રૂમ ભરીને પૈસા આપે તો પણ હું તેને માફ નહીં કરું.મારી પુત્રી આયેશા ખુશખુશાલ છોકરી હતી. પરંતુ નિકાહ પછીથી તેના જીવનમાં દહેજને કારણે મુશ્કેલીઓ આવી હતી. એકવાર સાસરિયાઓએ તેને 3 દિવસ સુધી ખોરાક ન આપ્યો.
આયેશા મને પોતાની પરેશાની જણાવે નહી એ માટે તેનો મોબાઈલ ફોન પતિ આરીફે છીનવી લીધો હતો. કોઈક રીતે આયેશાએ મને પાડોશીના મોબાઈલથી રડતાં ફોન કર્યો અને મને કહ્યું ‘પાપા આ લોકો મને જમવાનું પણ નથી આપતા’. ત્યારબાદ તરત ત્યાં ગયો ગયો અને પુત્રીને મારી સાથે લઈ આવ્યો. બાદમાં આરીફ ખાન, સાસુ અને તેની ભાભી સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.
આ સંદર્ભે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય ગુલાબખાન પઠાણ કહે છે કે આયેશાનો મામલો ખૂબ જ દુખદ છે. આ ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે. કાયદા મુજબ આ મામલો આઈપીસીની કલમ 306 હેઠળ આવે છે. તેથી હું માનું છું કે આરોપીને ચોક્કસ સજા કરવામાં આવશે.