India

અંબાણી ના ઘરની બહાર જે સ્કોર્પિયો મળી હતી તેના માલિકની લાશ મળી આવી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર મળી હોવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. શુક્રવારે અધિકારીઓને કલવા ક્રીક પર એક લાશ મળી આવી છે. આ એજ વ્યકિતની લાશ છે જેની સ્કોર્પિયો કાર મુકેશ અંબાણી ના ઘરની બહાર મળી આવી હતી.

તે થાણેનો વેપારી હોવાનું સામે આવ્યુ છે અને ક્લાસિક મોટર્સનો માલિક છે. અધિકારીઓને શંકા છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.મનસુખ ઠાણે પાસે ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઇઝી હતી. ગુરુવારે તે ગુમ થયો હતો અને આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. દરમિયાન બીજી માહિતી મળી રહી છે કે એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા સચિન વાજે અને મનસુખ બંને એકબીજાના સંપર્કમાં હતા.

આ અંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે એનઆઈએ પાસેથી સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી આશરે 200 મીટર દૂર એક શંકાસ્પદ એસયુવીમાંથી 20 જિલેટીનની સ્ટીક મળી આવી હતી. એસયુવીમાં બનાવટી નંબર પ્લેટ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે કાર 24 ફેબ્રુઆરીની રાત્રે 1 વાગ્યે એન્ટિલિયાની બહાર પાર્ક કરી હતી.

ક્રાઇમ બ્રાંચના અધિકારીના જણાવ્યા અનુસાર કારના માલિક મનસુખ હિરેને જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીની સાંજે તે થાણેથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ગાડી અટકી હતી અને તેઓ ઉતાવળમાં હતા તેથી કાર ત્યાં જ પાર્ક કરી હતી અને બીજા દિવસે જ્યારે તેઓ કાર લેવા ગયા હતા તો કાર ત્યાં ન હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

Back to top button