Corona VirusGujarathealthIndiaNews

1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ના તમામ લોકોને કોરોના ની રસી મળશે, સરકારની જાહેરાત

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રસી લેવાની રાહ જોતા લોકો માટે એક સારા સમાચાર છે. 1 એપ્રિલથી સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી માટે રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી વધુ વયના એવા લોકો રસી લઇ શકતા હતા જેમને અન્ય કોઈ બીમારીઓ પણ છે. પરંતુ હવે તે નિયમ દુર કરાયો છે.

આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ નિર્ણય અંગે માહિતી આપી છે.દેશમાં કોરોના વાયરસ સામે રસી આપવાની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી અને શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ 1 માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી પીડિત લોકોને રસી આપવાની જાહેરાત થઇ હતી.

દેશમાં 16 મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું હતું ત્યારથી અત્યાર સુધીમાં દેશની લગભગ 4 ટકા વસ્તી ને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4.84 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં એક જ દિવસમાં 30 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, સોમવારે પણ દેશમાં 32.53 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વૈજ્ઞાનિકો ની સલાહ પછી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમારી અપીલ છે કે 45 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકો જલ્દીથી રસી લેવાનું શરૂ કરો. રસી માટે રજીસ્ટ્રેશન પણ કરાવો, રસીની કોઈ અછત નથી. દેશમાં પુરતી માત્રામાં રસી ના ડોઝ ઉપલબ્ધ છે.

Tags
Back to top button