સુરત: દારુ પીવડાવીને પતિએ પત્નીના પ્રેમીને પતાવી દીધો, મૃતદેહ ને…
સુરત શહેરના રેલ્વે ટ્રેક નજીકથી મળી આવેલ હત્યા કરાયેલ લાશ નું રહસ્ય ઉકેલી લેવામાં આવ્યું છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી એક સગીર છે. મુખ્ય આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે કે મૃતક તેની પત્નીનો પૂર્વ બોયફ્રેન્ડ હતો, જે લગ્ન પછી પણ પત્નીને સતાવતો હતો. આ કારણે હત્યા બાદ લાશને બાળીને ટ્રેક નજીક દાટી દીધી હતી.
પોલીસને રેલ્વે સ્ટાફ પાસેથી ટ્રેક નજીક લાશ દફનાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહ બળી ગયેલી હાલતમાં હતો, જેના કારણે ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ ગુમ થયેલ યુવકની વિગતોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લગભગ સમાન વયની અને તે જ ઉંચાઈ ની વ્યક્તિ 22 માર્ચે ગુમ થઇ હતી.
ગુમ થયેલ યુવકની વિગતો મળતાની સાથે જ પોલીસે તેના ઘરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને જાણવા મળ્યું કે 22 માર્ચે છેલ્લી વાર તે કોઈ અજાણ્યા યુવાનની બાઇક પર જોવા મળ્યો હતો. આ પછી પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે મુખ્ય આરોપીનું નામ જાહેર કર્યું હતું. આ રીતે પોલીસ ખૂની પાસે પહોંચી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપી અનિલે જણાવ્યું હતું કે મૃતક અજય તેની પત્નીનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. જોકે લગ્ન બાદ પત્નીએ પ્રેમ સંબંધ બંધ કરી દીધો હતો, પરંતુ અજય હજી પણ તેને મળવાનો પ્રયત્ન કરતો હતો. આથી કંટાળીને પત્નીએ આ વાત પતિ અનિલને કહી દીધી.
ત્યારબાદ અનિલે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું અને તેને બોલાવ્યો હતો. દરમિયાન તેને પહેલા દારૂ પીવડાવ્યો હતો અને નશામાં સગીર મિત્રની મદદથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી બંને તેના મૃતદેહને લઇને રેલ્વે ટ્રેક પર લઇ ગયા હતા અને ખાડો ખોદ્યો હતો અને તેમાં મૃતદેહ નાખીને પેટ્રોલ વડે આગ લગાવી દીધી હતી. બાદમાં ઉપર માટી નાખીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.