India

ઓવરટેક કરવા જતા ટ્રકમાં રાખેલું કન્ટેઇનર બાજુમાં ચાલતી કાર પર પડ્યું, 4 લોકોના કમકમાટીભર્યા મોત

રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે સવારે એક ગંભીરઅકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઓવરટેક દરમિયાન ટ્રક અચાનક સામેથી વાહન આવતાં જોઇને અનિયંત્રિત થઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા બે કન્ટેનરોમાંથી એક બાજુમાં ચાલતી કાર પર પલટી ગયું હતું. જ્યારે બીજું માર્ગ પર પડી ગયું. આ વિશાળ કન્ટેઇનરમાં માર્બલ ભરેલો હતો. કાર પર પડતા જ કાર સંપૂર્ણ રીતે દબાઈ ગઈ હતી જેમાં કારમાં સવાર પતિ-પત્ની સહીત 4 લોકોના મોત થયા.

પોલીસ ના જાણવા મુજબ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યા આસપાસ બલરાય પાસે થયો હતો. સવારે જોધપુરથી ચાર લોકો કારમાં સવાર થઈને સિરોહી તરફ જઇ રહ્યા હતા. જેમાં એક મહિલા અને ત્રણ પુરુષો શામેલ છે. ખુલ્લી ટ્રક બે ભારે કન્ટેનર લઇને તે જ દિશામાં આગળ વધી રહી હતી.

ટ્રક ચાલકે વધુ ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ સામેથી અન્ય વાહન આવતું જોઇને ટ્રક ચાલક ચોંકી ગયો અને તેણે ટ્રકને ઝડપથી સીડમાં લેવાની કોશિશ કરી.જેથી આ ટ્રક પર રાખેલા બંને કન્ટેનર પલટી ખાઈ નીચે પડ્યા જેમાં એક કાર પર પડ્યું અને બીજું રસ્તા પર નીચે પડ્યું હતું.

ભારે કન્ટેનર હેઠળ કાર સંપૂર્ણ દબાઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી કન્ટેનર હટાવ્યું હતું. મનોજ શર્મા ,અશ્વનીકુમાર દવે, તેની પત્ની રશ્મિ દેવી અને ડ્રાઈવર બુધારામ પ્રજાપત કારમાં સવાર હતા. બધા જોધપુરના રહેવાસી હતા. પોલીસે ચારેય મૃતદેહો ને બહાર કઢાવ્યા હતા અને કાર્યવાહી શરુ કરી હતી.

અકસ્માતમાં માર્યા ગયેલા અશ્વિની દવેના પિતા મુરલીધર દવે નિવૃત્ત તહસીલદાર છે. તે જોધપુરના મહામંદિર વિસ્તારમાં આવેલા શક્તિ નગરમાં રહે છે.સમાચાર મળતાની સાથે જ પરિવાર અને સબંધીઓ મૃતદેહ લેવા ગુંદજ જવા રવાના થયા હતા. હાલમાં પરિવારોમાં શોકનો માહોલ છે.

Back to top button