સુરત: યુવતીનો જીવ લેનાર અતુલ વેકરીયા ભૂગર્ભમાં, પોલીસ પકડવા ગઈ પણ…
સુરત માં થોડા દિવસ અગાઉ રાત્રે જીવલેણ અકસ્માતમાં એક યુવતી નું મોત થયું હતું. સુરતની અતુલ બેકરીના માલિક અને રાજકીય વગ ધરાવતા અતુલ વેકરીયાએ નશાની હાલતમાં આ અકસ્માત કર્યો હતો. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. સૌપ્રથમ તો પોલીસે હળવી કલમો લગાવવાના આરોપો લાગ્યા હતા.
બાદમાં લોકોનો રોષ જોતા અતુલ વેકરીયા પર 304 ની કલમ લગાવાઈ હતી. હવે આરોપી અતુલ વેકરીયાને શોધવા ઉમરા પોલીસ તેના ઘરે ગઈ હતી. જોકે અતુલ ત્યાં મળ્યો ન હતો. ધરપકડના નિર્ણય બાદ અતુલ ભૂગર્ભમાં ગયો છે. આરોપી અતુલ બકરીયા પર દારુ પીને ગાડી ચલાવવાની કલમ પણ લાગી છે.
કોર્ટે કલમ ઉમેરવાના રીપોર્ટ ને મંજૂરી આપી હતી. ટ્રાયલ કોર્ટે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરી સેશન્સ ટ્રાએબલ ગુનાઓની કલમ ઉમેરીને કાર્યવાહી કરી છે.જેના પગલે ઉમરા પોલીસ અતુલના ઘરે અતુલ વેકરીયાની શોધખોળ કરવા ગઈ હતી પરંતુ અતુલ મળ્યો ન હતો.
હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે અનેક નાટકો બાદ પણ અતુલ વેકરીયા ને જેલ જવાનો સમય આવ્યો છે. વેસુમાં સોમેશ્વરા સ્ક્વેર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી 26 માર્ચની રાત્રે તેની બહેન ઉર્વશીને ફ્રેન્કી ખાવા માટે મોપેડ પર લઇ ગયા હતા.આ દરમિયાન પાર્ક કરેલા મોપેડ પર બેઠેલી 28 વર્ષીય ઉર્વશી ને અતુલ વેકરીયા ની કારે ટક્કર મારી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું. ઉર્વશીના ભાઈએ કહ્યું હતું કે તે બહેન ને ન્યાય અપાવીને જ રહેશે.