ElectionIndiaPolitics

ચૂંટણીમાં ગોલમાલ? એક બુથમાં 90 મતદાતા હતા પણ EVM માં 181 વોટ પડ્યા

બંગાળમાં આજે મતદાનના ત્રીજા તબક્કા દરમિયાન બંગાળ દરમિયાન ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ઉલુબેડિયામાં ટીએમસી નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા છે. આ કેસમાં ચૂંટણી પંચે સેક્ટર અધિકારી તપન સરકારને સસ્પેન્ડ કરી દીધા છે. પંચે જણાવ્યું છે કે આ અનામત ઇવીએમ અને વીવીપીએટી હતા, જેને હવે ચૂંટણી પ્રક્રિયાથી હટાવી દેવામાં આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મતદાનના બીજા તબક્કામાં 1 એપ્રિલે આસામના હાફલોંગ મતદાન મથક પર એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ બૂથ પર કુલ 90 મતદારો છે, પરંતુ EVM માં મતોની સંખ્યા 181 થઈ ગઈ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં સેક્ટર અધિકારી અને અન્ય 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બૂથ લેવલના અધિકારીનો સમાવેશ થાય છે.

1 એપ્રિલે આસામના પાથરકાંડીમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પૌલની કારમાં પણ ઇવીએમ લાવવાનો મામલો સામે આવ્યો હતો. વિપક્ષે આ મામલે ભાજપ તેમજ ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા હતા. આ પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે કાર તુટી ગઈ હતી. આ પછી, ચૂંટણી અધિકારીઓએ ભાજપના ઉમેદવારની કારમાં લિફ્ટ લેવી પડી હતી.

આ મામલે પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. ઇવીએમ કબજે કરાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇવીએમ સલામત છે અને કોઈ ચેડા કરાઈ નથી. તે જ સમયે બૂથ પર ફરીથી ચૂંટણી યોજવાની સૂચના આપવામાં આવી છે. આસામમાં આજે મતદાનનો છેલ્લો તબક્કો થઈ રહ્યો છે.

આ તબક્કામાં રાજ્યના 12 જિલ્લાઓમાં 40 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. તેમાં જલુકબારી બેઠક પણ છે જ્યાંથી સરકારના વરિષ્ઠ પ્રધાન અને ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા લડી રહ્યા છે. આ પહેલા 27 માર્ચ અને 1 એપ્રિલે મતદાનના પ્રથમ બે તબક્કાઓ યોજાયા હતા. આ દરમિયાન 47 અને 39 બેઠકો માટે મતદાન થયું હતું. પરિણામ 2 મેના રોજ આવશે.

Back to top button