healthIndia

ચોંકાવનારો કિસ્સો: કોરોના ની રસી અપાવવા પહોચેલી 3 મહિલાને હડકવાની રસી આપી દીધી, એકની તબિયત બગડતા હોસ્પીટલમાં દાખલ

ઉત્તર પ્રદેશના શામલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના કંધલાના કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કોરોના ની રસી આપવા પહોચેલી મહિલાઓ ને એન્ટી રેબીઝ ની રસી આપી દીધી હતી. જેની ફરિયાદ સીએમઓને કરવામાં આવી છે.એક મહિલાની તબિયત લથડતાં આરોગ્ય વિભાગની બેદરકારી બહાર આવી હતી. આ બેદરકારી બાદ પરિવારે હંગામો મચાવ્યો હતો.

સીએમઓ ડો. સંજયે જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોની ફરિયાદના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 70 વર્ષીય સરોજબહેન, 72 વર્ષીય અનારકલી અને સત્યવતી આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા ગયા હતા. ઘરે આવતાં સરોજને ચક્કર આવતા અને ગભરાટ અનુભવાયો અને પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો.

જ્યારે પ્રિસ્ક્રિપ્શન જોયું ત્યારે તેના પર એન્ટી રેબીઝ રસી નું લખ્યું હતું. બાદમાં જ્યારે અન્ય બે મહિલાઓનું પ્રિસ્ક્રિપ્શન જોયું તો તેમાં પણ એ જ રસી નું લખ્યું હતું. આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.વિજેન્દ્રસિંઘનું કહેવું છે કે ત્રણ મહિલાઓને એન્ટી રેબીઝ લગાવવાના મામલાની નોંધ લેવાઇ રહી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

કોરોના રસીના સ્થાને હડકવા ની રસી આપવાના મામલાની નોંધ લેતાં જિલ્લા મેજિસ્ટ્રેટ જસજીત કૌરે તપાસ અધિકારી તરીકે એસડીએમ કૈરાના અને એસીએમઓને તપાસ સોંપી છે, જેમાં તેઓ સમગ્ર ઘટનાની તપાસ કરતા કંધલા સીએસસી પહોંચ્યા હતા અને ફરિયાદીનું નિવેદન નોંધ્યું હતું. સાંજ પડે ત્યાં સુધી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો આ કેસમાં જો કોઈ અધિકારી કે કર્મચારી દોષી સાબિત થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button