GujaratRajkotSaurashtra

રાજકોટ: ચૌધરી હાઇસ્કુલ ના મેદાનમાં મોડીરાત્રે જન્મદિવસની પાર્ટી ઉજવવા મામલે પોલીસ પુત્રની ધરપકડ, સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો

રાજકોટમાં એકતરફ કોરોના નું તાંડવ ચાલી રહ્યું છે ત્યારે જન્મદિવસની પાર્ટીનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો રાજકોટ ની ચૌધરી હાઈસ્કુલ ના મેદાન નો છે. આ મેદાનમાં દરરોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા લોકો લાઈનમાં હોય છે, આજ મેદાનમાં કોરોના દર્દીઓ એમ્બ્યુલન્સમાં દરરોજ લાઈનમાં ઉભા હોય છે. જો કે રાત્રે આ મેદાનમાં જલસા કરતા લોકોનો વિડીયો વાયરલ થયો છે. આ પાર્ટીમાં સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ પણ દેખાય છે.

જન્મદિવસ ની પાર્ટી નો વિડીયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રી કર્ફ્યું અને જાહેરનામાં ના ભંગ બદલ પોલીસ પુત્ર સહીત તમામ લોકો સામે ગુનો નોંધાયો છે. પાર્ટીમાં સામેલ સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. વાયરલ વિડીયોમાં ઉલ્લેખ છે કે સાથી સેવા ગ્રુપના મૌલિકભાઈ નો જન્મદિવસ છે. મોંઘીદાટ કાર ના બોનેટ પર કેક રાખીને ઉજવણી કરાઈ હતી.

બાદમાં એક પછી એક લોકો કેક ખાય છે જેમાં સાથી સેવા ગ્રુપ ના જલ્પા પટેલ પણ નજરે ચડે છે. ૨ યુવકો કાર ના બોનેટ પર ચડીને ડાન્સ પણ કરે છે. વિડીયોમાં અનેક મહિલાઓ પણ દેખાઈ રહી છે. વિડીયો વાયરલ થતા હવે પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.

Back to top button