Corona VirusGujarathealthIndiaNews

દેશમાં કોરોના ના રેકોર્ડબ્રેક કેસ: 24 કલાકમાં 3,80,000 કેસ નોંધાયા, 3646 દર્દીઓના મોત

દિવસે દિવસે દેશમાં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે ગઈકાલે બુધવારે ફરી એક વાર દેશભરમાં રેકોર્ડબ્રેક ૩ લાખ ૮૦ હજાર કેસ નોંધાયા હતા, જ્યારે ૩૬૪૬ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશ માટે ખુશખબર એ છે કે દર્દીઓની રીકવરી સતત વધી રહી છે. ગઈકાલે પણ એક જ દિવસમાં રેકોર્ડ 2.70 લાખ દર્દીઓ સાજા થયા હતા.

ભારતમાં કોરોના ના વધતા કેસ ને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રની ટીમ સક્રિય થઈ ગઈ છે. યુએનના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓ અને યુનિસેફના સહયોગથી ૭૦૦૦ ઓક્સિજન કોન્સંસટ્રેટર્સ,500 નોઝલ ઉપકરણો મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે મોબાઇલ હોસ્પિટલ યુનિટ, લેબ અને 2600 ફીલ્ડ અધિકારીઓ પણ મહારાષ્ટ્રમાં મોકલી રહ્યા છે. યુનિસેફની નિષ્ણાત ટીમ રાજ્યમાં પહેલેથી જ કાર્યરત છે.

રશિયા એ પણ ભારતને ઓક્સિજન કોન્સંસટ્રેટર્સ, વેન્ટિલેટરની સાથે 22 ટન તબીબી ચીજો મોકલી રહ્યું છે. રશિયન વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આ માટે પરિવહન વિમાનો ભારત માટે રવાના થયા છે. આ પહેલા મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વચ્ચે ટેલિફોન વાતચીત થઈ હતી. રશિયા ભારતને સ્પુટનિક રસી પણ આપી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય કંપની દેશમાં લગભગ 8.50 કરોડ રસીઓનું ઉત્પાદન કરશે. ઉત્પાદન મેથી શરૂ થશે.

બુધવારે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા હતા. 8,595 લોકો સ્વસ્થ થયા અને 174 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં 5 લાખ 38 હજાર 845 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 3 લાખ 98 હજાર 824 લોકો સાજા થયા છે જ્યારે 6,830 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 1,33,191 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Back to top button