India

નાકમાં લીંબુ ના રસના 2 ટીપા નાખવાથી કોરોના ખત્મ થઇ જાય? વાયરલ મેસેજની હકીકત જાણી લો એકવાર

હાલમાં દેશમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે અને કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે લોકો પણ ગભરાઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયામાં આવતા વિવિધ ઉપાયો અજમાવીને કોરોના ને ખત્મ કરવાનો દાવો કરતા હોય છે .પરંતુ કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા સ્વાસ્થ્ય માટે તેના વિશે યોગ્ય રીતે જાણવું વધુ સારું રહેશે. કારણ કે કેટલીક ચીજો તમારા સ્વાસ્થ્ય પર પણ જોખમી અસર કરી શકે છે.

આજકાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોરોના વાયરસ તરત ખત્મ થઇ જશે. તમને જણાવી દઈએ કે આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે દેશમાં બેડ,ઓક્સીજન ની પણ અછત સર્જાઈ છે. પણ શું નાકમાં લીંબુનો રસ નાખીને કોરોના વાયરસનો ચેપ મટાડી શકાય છે?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોરોના વાયરસ તાત્કાલિક નાબૂદ થાય છે. વાયરલ થયેલા વીડિયોમાં એક તિલકધારી સાધુબાબા દાવો કરી રહ્યા છે કે ‘લીંબુ લો અને તેના રસના બે-ત્રણ ટીપા તમારા નાકમાં નાખો. તેને મૂક્યાના માત્ર 5 સેકંડ પછી, તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ જશે.

વળી વીડિયોમાં સાધુઓ એમ પણ જણાવી રહ્યાં છે કે જો તમને ચેપને લીધે ગળામાં દુખાવો અથવા તાવ આવતો હોય તો પણ આ ઉપાય કામ લાગશે. તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ, આજ સુધી મેં આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરતા લોકોને મરતા જોયા નથી.આ રેસીપી નાક, કાન, ગળા અને હૃદય માટેના ઉપચાર છે.

બનાવટી સમાચાર અંગે તપાસ કરવા ચાલતા ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ અંગેના સમાચારોની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતું ‘ફેક્ટ ચેક યુનિટ’ બનાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તેની ટ્વિટર હેન્ડલ પર આખી તપાસ શેર કરી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે ટ્વિટ કરીને કહ્યું કે વીડિયોમાં કરવામાં આવેલા દાવા નકલી છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે નાકમાં લીંબુનો રસ નાકમાં નાખવાથી કોરોના ખતમ થઇ જાય છે.

Back to top button