GujaratSouth GujaratSurat

સૌરાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સેવા કરીને પરત ફરતા સુરતના 3 લોકોના અકસ્માતમાં મોત

સુરતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ગોદાણી તેમજ અન્ય ૨ લોકોના વડોદરા નજીક અકસ્માતમાં દુખદ મોત થયા છે. લોકોની સેવામાં સક્રિય રહેલા અશોકભાઇ કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આઇસોલેશન સેન્ટરોમાં સેવા આપતા હતા. રૂબરૂ દર્દીઓની મુલાકાત લઈને સ્થિતિ જોતા હતા અને જરૂરી વસ્તુઓ પણ પહોચાડતા હતા.

આજે વહેલી સવારે સુરત ઓલપાડ રોડ પર રહેતા અશોકભાઇ ગોદાણી, ચંદુ ગોદાણી અને રાજુભાઇ ગોંડલીયા કારમાં સૌરાષ્ટ્રથી સુરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કપુરાઈ પાસે કાર ચાલકે ઝોકું ખાતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રસ્તા વચ્ચેના ડિવાઇડર કુદીને સામેની બાજુ જતી રહી હતી. આ દરમિયાન એક ટ્રક સાથે કાર ની ગંભીર ટક્કર થઇ હતી અને તેમાં ત્રણેય ના મોત નીપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સેવા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા વતન ને વહારે અભિયાન અંતર્ગત અનેક લોકો સુરતથી સૌરાષ્ટ્ર ના ગામડાઓમાં સેવા આપવા ગયા છે. જેમાં આ લોકો પણ રાજુલા-જાફરાબાદ સેન્ટરમાં સેવા માટે ગયા હતા.તેઓ સેવા કરીને તેઓ પરત ફરી રહ્યા હત. પત્ની ને ગઈકાલે રાત્રે કહ્યું હતું કે અમે પરત આવી રહ્યા છીએ.

અશોકભાઇ હંમેશા લોકોની સેવા કરવામાં આગળ રહેતા હતા. સેવા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન થી તેઓ ખુશ હતા. તેમણે કહ્યું કે હું આ તક ગુમાવવા માંગતો નથી અને તેઓ સૌરાષ્ટ્ર જઈને કોરોના દર્દીઓની સેવા કરતા હતા. તેમણે સુરતમાં પણ આઈસોલેશન સેન્ટરમાં ખુબ જ સેવા કરી હતી.

હાલ ત્રણેય લોકોના સેવા દરમિયાન મોત થતા લોકોએ તેમને શહીદ નો દરરજો આપવાની માંગ કરી છે અને સરકાર તેમના પરિવાર ને સહાય કરે તેવી પણ માંગ કરી છે. સરકાર કોરોના વોરિયર ને ૨૫ લાખ રૂપિયાની સહાય કરે છે તેવી સહાય આ લોકોના પરિવાર ને આપો તેવી માંગ સોશિયલ મીડિયામાં ઉઠી છે.

Back to top button