InternationalUSA

ફેસબુક નો સપાટો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ નું એકાઉન્ટ 2 વર્ષ માટે સસ્પેન્ડ, ટ્રમ્પે આપ્યો આવો જવાબ

ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટ ને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે. બે વર્ષનો સમયગાળો 7 જાન્યુઆરી, 2021 થી ગણવામાં આવશે. એ જ દિવસે ટ્રમ્પનું ખાતું પ્રથમ વખત સસ્પેન્ડ કરાયું હતું. ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ (ગ્લોબલ અફેર્સ) નિક ક્લેગએ શુક્રવારે એક બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી.

ફેસબુક અનુસાર, ટ્રમ્પ હવે 7 જાન્યુઆરી, 2023 સુધી તેના ફેસબુક એકાઉન્ટને એક્સેસ કરી શકશે નહીં. એટલે કે, નવેમ્બર 2022 માં યોજાનારી મધ્ય-ગાળાની ચૂંટણીમાં પણ તેણે ફેસબુકથી દૂર રહેવું પડશે. ટ્રમ્પે ફેસબુકની આ કાર્યવાહીને 7.5 કરોડ લોકોનું અપમાન ગણાવ્યું છે જેમણે 2020 ની ચૂંટણીમાં ટ્રમ્પને મત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું છે કે તે લોકોને આ રીતે મૌન કરી શકાય નહી. અમે ફરીથી જીતીશું. દેશ હવે આ અપમાન સહન કરી શકશે નહીં.

ફેસબુકે કહ્યું છે કે નિષ્ણાતો સાથે વાત કર્યા પછી, ટ્રમ્પના એકાઉન્ટ ને ત્યારે જ એક્ટીવ કરવામાં આવશે જયારે જનતાને કોઈ ખતરો ન હોય. આ માટે હિંસા અને શાંતિ ભંગની ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવશે.

યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો બાદ 6 જાન્યુઆરીએ યુ.એસ. સંસદ કેપિટોલ હિલની બહાર હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ટ્રમ્પ પર તેમના ટેકેદારોને ઉશ્કેરવાનો આરોપ મૂકાયો હતો. આને લીધે બીજા દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ ફેસબુક સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ટ્રમ્પનું એકાઉન્ટ ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામ અને ગુગલના પ્લેટફોર્મ યુટ્યુબ દ્વારા પણ સસ્પેન્ડ કરાયું હતું. બીજી તરફ ટ્વિટરે તો ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

Back to top button