India

શિરડી સાંઈબાબા ,મંદિરમાં દાન 83% ઓછુ આવ્યું પણ સેવામાં કોઈ કમી નહી, 7000 થી વધુ કોરોના દર્દીઓને સાજા કર્યા

કોરોના રોગચાળામાં, દેશના ઘણા ધાર્મિક સ્થળોએ દર્દીઓ માટે તેમના દરવાજા ખોલ્યા છે . ક્યાંક મંદિર પોતે હોસ્પિટલમાં ફેરવાઈ ગયું હતું અને ક્યાંક એક અલગ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું હતું. આવા ધાર્મિક સ્થળ માં શિરડી સાંઈબાબા મંદિર નો પણ સમાવેશ થાય છે.

કોરોના ના કારણે મંદિર બંધ હોવાથી ગયા વર્ષ કરતાં શિરડી ટ્રસ્ટને આ વર્ષે 83% ઓછું દાન મળ્યું હોવા છતાં, સેવામાં કોઈ જ કમી નથી આવી.સાંઈ ટ્રસ્ટ સંચાલિત કોવિડ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે. અહીં દર્દીઓની સાથે તેમના પરિવાર માટે રહેવા, ખાવા પીવાની વ્યવસ્થા પણ મફત છે.

શિરડી સાંઈ ધામમાં 2018 માં 1.65 કરોડ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. 2019 માં 1.57 કરોડ ભક્તોએ મુલાકાત લીધી હતી, પરંતુ 2020 માં કોરોના ના કારણે મંદિરને બંધ કરવું પડ્યું હતું. પ્રથમ લહેર પછી મંદિર ખોલ્યું ત્યારે, 16 નવેમ્બરથી 21 ડિસેમ્બરની વચ્ચે 5.74 લાખ ભક્તોએ મુલાકાત લીધી. 2021 માં 1 જાન્યુઆરીથી 5 એપ્રિલની વચ્ચે, ભક્તોની સંખ્યા 62 હજારની આસપાસ રહી.

આવામાં કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે એપ્રિલ-2020 માં કોવિડ હોસ્પિટલ બનાવી અને અહીં દર્દીઓની સારવાર મફતમાં શરૂ કરવામાં આવી. એપ્રિલ-2020 થી અત્યાર સુધીમાં બાબાના ધામથી 7 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. ટ્રસ્ટની ટીમ જે અગાઉ શ્રદ્ધાળુઓની સેવામાં તહેનાત હતી, તે હવે દર્દીઓની સેવામાં વ્યસ્ત છે. આશરે ત્રણ હજાર કર્મચારીઓ હોસ્પિટલમાં જ સેવાઓ આપી રહ્યા છે.

સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સાંઇબાબા સંસ્થા ટ્રસ્ટના સીઈઓ કન્હુરાજ હરિશ્ચંદ્ર બગાટેએ કહ્યું કે અમે કોરોના દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરી રહ્યા છીએ. મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં, જો કોઈ સુવિધામાં થોડી ફી લેવામાં આવે તો પણ તેની ભરપાઈ રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા કરવામાં આવે છે. આનાથી દર્દી પર કોઈ ભાર પડતો નથી.

શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ અને 20 વેન્ટિલેટર બેડ છે. જોકે, કોવિડ માટે ત્રણ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. જો ત્રણેય જગ્યાઓ એકીકૃત કરવામાં આવે તો લગભગ દોઢ હાજર બેડ ની સુવિધા છે.

Back to top button